મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

૧૨૦૦૦થી વધુ ડિલરશીપ ઉપર તાળા

કાર અને બાઈક ફેકટરીઓ બંધ થવાથી રોજનું ૨૩૦૦ કરોડનું નુકસાન

નવી દિલ્હી, તા. ૨૫ :. ભયાનક મહામારીની જેમ ફેલાયેલા કોરોના વાયરસનો સકંજો દેશ અને દુનિયા ઉપર કસાતો જાય છે. આ વાયરસના કારણે દેશમાં કરાયેલ લોકડાઉનની સીધી અસર ઓટોમોબાઈલ સેકટર પર પણ પડશે. દેશની લગભગ બધી વાહન નિર્માતા કંપનીઓએ પોતાની ફેકટરીઓમાં ઉત્પાદન રોકવાની જાહેરાત કરી દીધી છે, તો દેશના વડાપ્રધાન મોદીએ આજે રાત્રે ૧૨ વાગ્યાથી આગામી ૨૧ દિવસો માટે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

ઓટો ઈન્ડસ્ટ્રી બોડી સોસાયટી ઓફ ઈન્ડીયા ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ) અનુસાર, આ લોકડાઉનના કારણે ફેકટરીઓ બંધ રહેવાથી રોજનું ૨૩૦૦ કરોડનું નુકસાન થશે. સિયામના પ્રમુખ રાજન ઘડેરાએ મીડીયાને જણાવ્યુ કે સિયામ દ્વારા કરાયેલા અનુમાનો અનુસાર, એવી આશા છે કે વાહન નિર્માતા અને સ્પેર પાર્ટસનું ઉત્પાદન બંધ થવાથી રોજના ટર્નઓવરમાં લગભગ ૨૩૦૦ કરોડનું નુકસાન થશે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીથી માંડીને હ્યુડાઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા, ટોયોટા, કિયા મોટર્સ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ટીવીએસ મોટર્સ સહિત તમામ કંપનીઓએ આ વાયરસને ફેલાતો રોકવા પોતાની ફેકટરીઓ બંધ કરી દીધી છે. આ ફેકટરીઓમાં કામ કરતા કર્મચારીઓને રજા આપી દેવાય છે. સમાચાર છે કે આ બધી કંપનીઓ પોતાના કર્મચારીઓનો પગાર નહીં કાપે.

(11:36 am IST)