મુખ્ય સમાચાર
News of Wednesday, 25th March 2020

કોરોના સામે અમેરિકા લાચાર-અસહાયઃ નવુ એપીસેન્ટર બનશે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવકતાનો સનસનીખેજ ધડાકોઃ મૃત્યુઆંક વધીને ૬૦૦: વિશ્વની મહાસત્તામાં ઝડપથી ફેલાય રહ્યો છે જીવલેણ વાયરસ

વોશિંગ્ટન, તા. ૨૫ :. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવી ચેતવણી આપી છે કે કોરોના વાયરસનું હવે પછીનુ એપીસેન્ટર અમેરિકા થઈ શકે છે. આ સંગઠનના પ્રવકતા માર્ગારેટ હેરીશે જણાવ્યુ છે કે સંયુકત રાજ્ય અમેરિકામાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને જોઈ કહી શકાય છે કે આ દેશ કોરોના વાયરસ મહામારીનું નવુ કેન્દ્ર બની શકે છે.

પ્રવકતાએ જીનીવામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે યુરોપ હજુ પણ મહામારીનું કેન્દ્ર છે પરંતુ અમેરિકામાં કેસ સતત વધી રહ્યા છે. તેમણે આગળ કહ્યુ હતુ કે ગત શનિવાર સુધી વિશ્વભરમાં ૭૫ ટકા નવા સંક્રમણ યુરોપથી હતા તો અમેરિકાથી ૧૫ ટકા હતા. અમેરિકામાં કોરોનાના કારણે મરનારની સંખ્યા ૬૦૦થી વધુની થઈ છે અને સંક્રમણના ૫૦,૦૦૦થી વધુ મામલાની પુષ્ઠી થઈ છે.

વિશ્વના સૌથી તાકાતવર અમેરિકાની હાલત હાલ ખરાબ થઈ ગઈ છે. અહીં મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. વાયરસે પહેલા ચીનમાં પછી ઈટાલીમાં અને હવે અમેરિકામાં તબાહી મચાવવાનું શરૂ કર્યુ છે. વિશ્વની મહાશકિતનો દાવો કરતુ અમેરિકા હવે કોરોના મહામારી આગળ લાચાર અને અસહાય જણાય રહ્યુ છે. સોમવાર સુધીમાં ૧૫૪૩૩ કોરોનાના દર્દીઓ હતા. યુરોપ અને અમેરિકામાં વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે.

(11:09 am IST)