મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

ટ્રમ્પનો યુ ટર્નઃ ઇમરાનને લપડાક

કાશ્મીર મામલે મધ્યસ્થતા નહિ કરવા એલાન

ટ્રમ્પને બ્રહ્મજ્ઞાન થતા કાશ્મીરને ભારત-પાકનો દ્વિપક્ષીય મુદો જાહેર કર્યો

નવી દિલ્હી, તા.૧૩: કાશ્મીર મુદ્દા પર અમેરિકા પોતાના સંકેત સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકા તરફથી જણાવવામાં આવ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને અમેરિકા તેમાં કોઇપણ પ્રકારની મદદ કરશે નહીં. અમેરિકાએ આ મુદ્દે મધ્યસ્થતા કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંગલાએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. અમેરિકામાં રહેલા ભારતના રાજદૂત હર્ષવર્ધન સિંગલાએ કહ્યું કે અમેરિકા પોતાની જૂની નીતિ પર ચાલવા ઇચ્છે છે. અમેરિકાએ જમ્મૂ-કાશ્મીરને લઇને પોતાની નીતિમાં કોઇ ફેરફાર કર્યો નથી. અમેરિકા ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન સયુંકત રીતે મળીને આ મુદ્દાનું નિરાકરણ લાવે.

અમેરિકામાં રહેલા ભારતીય રાજદૂતે હર્ષવર્ધને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નિવેદન આપ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો અમેરિકા મધ્યસ્થતા કરવા તૈયાર છે. જો કે ભારતે પોતાનું સ્પષ્ટ વલણ કરતાં જણાવ્યું હતું કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે, જેનો નિર્ણય બંને દેશ જ કરશે.

ભારતનું કાશ્મીરને લઇને હંમેશા સ્પષ્ટ વલણ રહ્યું છે કે આ આંતરિક મુદ્દો છે, જેના પર ત્રીજો કોઇ દેશ સ્વીકાર્ય નથી. પાકિસ્તાન જમ્મૂ કાશ્મીર પર દુનિયાભરની મદદ માંગી રહ્યું છે, પરંતુ કોઇ દેશ પાકિસ્તાનને મદદ કરવા તૈયાર નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી પણ આ મુદ્દે ચીન પહોંચ્યા હતા, જો કે ત્યાં પણ પાકિસ્તાનને નિરાશા હાથ લાગી હતી. જયારે ભારતને દુનિયાના દ્યણા દેશો તરફથી જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા-૩૭૦ હટાવવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.ભારતને કાશ્મીર મુદ્દે યુએન, અમેરિકા અને ચીન બાદ રશિયાએ પણ સમર્થન કર્યું હતું. રશિયાએ સ્પષ્ટ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરને લઇને ભારતનો નિર્ણય બંધારણીય જોગવાઇ મુજબ કરાયો છે.

આમ વૈશ્વિક સ્તર પર ફરી એકવાર પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. કાશ્મીર પર હવે અમેરિકાએ કોઈપણ પ્રકારના મધ્યસ્થતાનો ઈનકાર કર્યો છે. અમેરિકાએ હવે કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે. કાશ્મીર મામલે અમેરિકાએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે અને અમેરિકા આ મામલે કોઈ દખલ નહીં દે.

(3:29 pm IST)