મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

વરસાદ પછી છ કલાકમાં રાજકોટ દોડતું થઇ ગ્યુ છતાં કોંગ્રેસે જનરલ બોર્ડમાં ખોટી કાગારોળ કરી મુકીઃ ભાજપ

શહેરનાં તમામ રસ્તા-અંડરબ્રીજ ચાલુ જ છેઃ પ્રજાએ ભરપુર સહયોગ આપ્યો છતાં વિપક્ષ પ્રજા વિરોધી ભાષા બોલે છેઃ મેયર બીનાબેન સીનીયર કોર્પોરેટર નીતીન ભારદ્વાજ-સ્ટે. ચેરમેન ઉદય કાનગડે કોંગ્રેસનો કાન આમળ્યો

રાજકોટ તા. ૧૩: આજે સવારે મ્યુ. કોર્પોરેશનનાં સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં મળેલી સામાન્ય સભા (જનરલ બોર્ડ)માં વિપક્ષ કોંગ્રેસે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નહીંવત હોવા છતાં ખોટી કાગારોળ મચાવી પ્રજા વિરોધી માનસ છતું કર્યું હતું. તેવો આક્ષેપ શાસક ભાજપનાં કોર્પોરેટર અને મેયર બીનાબેન આચાર્ય સીનીયર કોર્પોરેટર નીતીનભાઇ ભારદ્વાજ ત્થા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે કર્યો હતો.આ અંગેની વિગતો મુજબ આજે જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરોએ બોર્ડમાં પાણી ભરાવાની સમસ્યાની ર્ચા માંગી હોબાળો મચાવતાં મેયર બીનાબેન આચાર્યએ ''શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નહીં હોવાનું જણાવી આવી ચર્ચા અસ્થાને હોવાનું જણાવ્યું હતું.''જયારે નીતીનભાઇ ભારદ્વાજે જણાવેલ કે જયારે શહેરીજનો વરસાદી પાણીમાં ફસાયા હતાં ત્યારે ભાજપનાં કોર્પોરેટરો કાર્યકરો પ્રજાની સતત સાથે રહ્યાં હતાં અને ગણતરીની કલાકોમાં પાણી ભરાવાની ફરિયાદો ઉકેલવામાં તંત્ર સાથે ખંભેખંભા મિલાવીને મદદરૂપ થયા હતાં.

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે તેઓની આગવી શૈલીમાં વિપક્ષ કોંગ્રેસનો કાન આમળતાં જણાવેલ કે, પ્રત્યેક રાજકોટવાસીઓએ જાણે છે કે ૧૮ ઇંચ વરસાદ પડવા છતાં વરસાદ રહી ગયાનાં છ કલાકમાં રાજકોટ રસ્તાઓ પર દોડવા લાગ્યું હતું.અંડર બ્રીજો, રસ્તાઓ, ખુલ્લા થઇ ગયા હતાં. વરસતા વરસાદમાં મ્યુ. કમિશ્નર-ઇજનેરો અને ભાજપનાં કાર્યકરો પ્રજાવચ્ચે રહ્યા હતાં અને પ્રજાએ પણ તંત્રને ભરપૂર સહયોગ આપ્યો હતો. કેમકે સૌ કોઇ જાણતા હતાં કે રાજયમાં અન્ય શહેરો જેમકે વડોદરામાં આટલાજ વરસાદમાં પુર આવ્યા હતાં તેની સરખામણીએ રાજકોટની કોઇજ સમસ્યા નથી આ હકીકત પ્રજા જાણે છે છતાં કોંગ્રેસે આજે બોર્ડમાં પ્રજા વિરોધી ભાષા બોલી ખોટો કાગારોળ મચાવી હતી.

(3:26 pm IST)