મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

પાણી ભરાવાનો પ્રશ્ન ઉઠાવનારા કોંગી કોર્પોરેટરોને જનરલ બોર્ડમાંથી હાંકી કઢાયા

મ્યુ. કોર્પોરેશનની પ્રી-મોન્સુન કામગીરીની પોલંપોલ અંગે ભારે હોબાળોઃ કોંગ્રેસે બોર્ડમાં રામધૂન બોલાવી-ધરણા કર્યા :વરસાદ રહી ગયાના ત્રીજા દિવસે પણ શહેરના અનેક વિસ્તારો પાણી-પાણીઃ લાખોનો ખર્ચ એળે ગ્યોઃ રેલનગર-હંસરાજનગર સહિતના વિસ્તારો હજુ પાણીમાં: વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણીએ શાસકોને આડે હાથ લીધા

જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરો પર પોલીસ બળનો પ્રયોગ લોકશાહીનું ગળુ દબાવવા સમાનઃ કોંગ્રેસ :રાજકોટઃ. મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરોએ શહેરમાં ભૂગર્ભ ગટર ચોકઅપ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા બાબતે ચાલુ બોર્ડે ધરણા કરી - રામધૂન બોલાવતા જનરલ બોર્ડમાં જબરો હોબા ળો મચી ગયેલ અને મેયર બીનાબેન આચાર્યએ તમામ કોંગી કોર્પોરેટરોને બોર્ડમાંથી હાંકી કાઢવા આદેશ આપ્યા હતા તે વખતની તસ્વીરોમાં પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, વર્તમાન વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, ઘનુભા જાડેજા (વોર્ડ નં. ૧૭) વગેરે મેયર પાસે ધસી ગયા હતા તે નજરે પડે છે. બાજુની તસ્વીરમાં ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં. ૧૧) દર્શાય છે. નીચેની તસ્વીરમાં અતુલ રાજાણી સહિતના કોર્પોરેટરો પાણી ભરાવાની સમસ્યાના બેનરો રજુ કરી રહેલા નજરે પડે છે તથા અન્ય તસ્વીરોમાં પોલીસ ઈન્સ્પેકટર એન.કે. જાડેજા તથા સ્ટાફ દ્વારા વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરિયા, દિલીપ આસવાણી, નિર્મળ મારૂ, ગાયત્રીબા વાઘેલા વગેરેને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તે દર્શાય છે. આ તકે મનસુખભાઈ કાલરિયાએ જનરલ બોર્ડમાં પોલીસ બળના પ્રયોગને લોકશાહીનું ગળુ દબાવવા સમાન ગણાવીને આ બાબતનો તમામ કોંગી કોર્પોરેટરોએ જબ્બર વિરોધ કર્યો હતો (તસ્વીરોઃ સંદિપ બગથરિયા)

રાજકોટ, તા. ૧૩ :. આજે સવારે ૧૧ વાગ્યે યોજાયેલ મ્યુ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ શહેરમાં વરવી વાસ્તવિકતા સમાન વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉઠાવતા શાસકપક્ષ ભાજપે પ્રજાના આ પ્રશ્નને વાચા આપવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના તમામ કોર્પોરેટરોને જનરલ બોર્ડમાંથી હાંકી કાઢવા આદેશ આપતા વિપક્ષી કોર્પોરેટરોએ આ બાબતનો વિરોધ કરી ચાલુ બોર્ડે જ ધરણા પર ઉતરી અને રામધૂન બોલાવતા ફાયરબ્રીગેડના માર્શલોએ કોંગી કોર્પોરેટરોને સભાગૃહની બહાર ધકેલ્યા હતા.

લાખોનો ખર્ચ એળે ગ્યોઃ વશરામ સાગઠિયા

જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ સૌ પ્રથમ પાણી ભરાવાના પ્રશ્નની ચર્ચામાં જણાવેલ 'કુદરતે જ્યારે વરસાદે આવી મહેર કરી છે ત્યારે ફકત ધીમી ધારે પડેલ વરસાદ છતા રાજકોટ મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે. લગભગ બે કરોડ ઉપરનો ખર્ચ કરી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરેલ પરંતુ ૨૪ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ એટલે કે ધીમી ધારે પડેલા વરસાદથી પણ રાજકોટના શાસકો અને અધિકારીઓની પોલ ખોલી નાખી હતી. ચારે તરફ પાણી ભરાયા હતા.

અનેક ફરીયાદો પાણી ભરાવવાની હતી વોર્ડ ૧૧ના કોર્પોરેટર શ્રીમતી પારૂલબેન ડેરના ઘરમાં પણ કમર સુધી પાણી ભરાયા હતા. તેવા અનેક વિસ્તારોમાં ડ્રેનેજના પાણી ઘરમાં ઘુસી ગયા હતા. આજે ૪૮ કલાક પછી પણ અનેક વિસ્તારોમાં અંદાજે ૧૯૦૦ જેવી ફરીયાદો ફકત ડ્રેનેજની છે. જો તેનો નિકાલ નહી થાય તો કોંગ્રેસ જનઆંદોલન કરશે.

ગાયત્રીબા વાઘેલા

પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ પણ શહેરમાં વરસાદ બંધ થયાના ચોથા દિવસે પણ અનેક વિસ્તારો પાણીમાં હોવાની હકીકત અંગે શાસકોને આડે હાથ લઈ દાખલા-દલીલો સાથે શહેરીજનોની સમસ્યાને વાચા આપવા પ્રયાસ કરેલ.

અતુલ રાજાણી

વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અતુલ રાજાણીએ તંત્રની પોલંપોલ અને બેદરકારી અંગે જણાવ્યુ હતુ કે રેલનગર વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. પોપટપરા નાલામાં પાણી વહી રહ્યુ છે. હંસરાજનગર સહિતના વિસ્તારો પાણી - પાણી છે ત્યારે તંત્ર આ સમસ્યા ઉકેલવામાં વામણુ સાબિત થયુ છે.

આમ જનરલ બોર્ડમાં વરસાદી પાણીનો પ્રશ્ન ઉઠાવવા વિપક્ષ કોંગ્રેસે ઉગ્ર માંગ ઉઠાવતા શાસક ભાજપના કોર્પોરેટરોએ આ બાબતને પાયા વિહોણી ગણાવી અને કોંગી કોર્પોરેટરોને આવા પ્રશ્નો નહી ઉઠાવવા જણાવતા કોંગી કોર્પોરેટરોએ તેનો વિરોધ કરીને ચાલુ બોર્ડે રામધૂન બોલાવતા મેયર બીનાબેન આચાર્યએ તમામ કોંગી કોર્પોરેટરોને બહાર કાઢવા આદેશ આપ્યો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડના માર્શલોએ કોંગી કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર કાઢયા બાદ જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી શરૂ થયેલ. જેમાં ભાજપના મનીષ રાડિયાના પાણી વિતરણના એક માત્ર પ્રશ્નની ચર્ચા થયેલ ત્યાર બાદ બોર્ડના એજન્ડામાં રહેલી દરખાસ્તોને મંજુર કરાઈ હતી.(૨-૨૦)

બેડીપરા પોષ્ટ ઓફીસમાં સ્ટાફની ઘટ પુરી કરો

મોહનભાઇ સોજીત્રાની ચીફ પોષ્ટમાસ્તરને રજુઆત

રાજકોટ તા. ૧૩ : પૂર્વ ઝોન સામાકાંઠામાં આવેલ બેડીનાકા પોષ્ટ ઓફીસમાં એક સમયે ૨૩ કર્મચારીઓનો સ્ટાફ હતો. જેની સામે આજે માત્ર ૮ કર્મચારીઓનું જ પોષ્ટીંગ છે. વોર્ડ નં.૪,૫,૬ તથા ૧૫ માં સમાવિષ્ટ વિસ્તારોના પોસ્ટને લગતા કામો અહીં થતા હોય કામનું ભારણ ખુબ રહે છે. જેથી સત્વરે સ્ટાફની ઘટ પુરી કરવા પુર્વ ડે. મેયર મોહનભાઇ સોજીત્રાએ ચીફ પોસ્ટ માસ્તરને પત્ર લખી રજુઆત કરી છે.

જનરલ બોર્ડમાં ૬ કોર્પોરેટર ગેરહાજર

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની આજે મળેલ દ્વિમાસીક સામાન્ય સભામાં ભાજપના ૪૦ પૈકી ર તથા કોંગ્રેસના ૩૧ પૈકી ૪ સભ્યો ગેરહાજર રહયા હતા. 

(3:21 pm IST)