મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

શ્રાવણ સત્સંગ

નિસ્વાર્થ સેવા હ્ય્દય પવિત્ર બનાવેઃ જયોર્તીલીંગ આત્મજયોતીરૂપે

સદાશિવ મહાદેવ નિરંજન નિરાકાર કહેવાય છે. ભોળાનાથ સર્વસ્વ છે. તેથી જ તો શિવભકતો જયારે અંતઃકરણ પુર્વક દેવાધીદેવ મહાદેવનું ધ્યાન ધરે છે તેમની પુજા પ્રાર્થના કરે છે ત્યારે તે પ્રેમાળ સ્નેહાળ ગંભીર અને જ્ઞાની તથા સુખી બને છે.

 

ભોળાનાથના આદિરૂપનું ચિંતન તે માનસીક સેવા જપ વગેરે વાચીક સેવા અને કર્મરૂપ પુજા આરાધના કે ઉપાસના આમ ત્રણ પ્રકારે મહાદેવજીની આરાધના કરી શકાય છે.

જયારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવલીંગની પુજા પવિત્ર અને મંગલકારી છે. ભકતો શિવલીંગ પર રૂદ્રાભિષેક કરે છે. જેમાં શિવ મહીમા અથવા અષ્ટાધ્યાયી રૂદ્રીનો પાંચમો અધ્યાય ૧૧ વાર બોલવાથી એક રૂદ્રાભિષેક થયો ગણાય.

પંચાક્ષર મંત્રનું પણ એટલું જ મહત્વ છે. ઓમ નમઃ શિવાય નો આ મંત્ર પણ ફળદાયી છે. પંચાક્ષર મંત્ર કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

નિસ્વાર્થ સેવા દ્વારા હ્ય્દય પવિત્ર બને છે. અને આવી સેવા એ પરમ કૃપાળુ પરમાત્માની ઉપાસના જ છે. નિસ્વાર્થ સેવાથી અહંકાર નિર્મુળ થતો જાય છે.

સદા શિવ ભગવાન વિના પુર્ણ જ્ઞાન પ્રાપ્તી શકય બનતી નથી. માનવીના આત્માની જાગૃતી સાથે તેનામાં શિવત્વ જાગૃત થાય તો એ સાથે તેને પરમ જ્ઞાનની અને સત્યની ઝાંખી થતી હોય છે.

શીવલીંગ પર બીલીપત્ર ચડાવવામાં આવે છે. કેટલાક બીલીપત્રના ત્રણ પાનને બ્રહ્મા વિષ્ણુ મહેશના પ્રતિક સમાન ગણીને ભોળાનાથને અર્પણ કરે છે.

ભોળાનાથનું અંતર ભકતના મનના ભાવનું ભુખ્યું છે. પુરી શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ભકત અંતરમનથી ભકત પ્રમાણીક પણે ઉપાસના કરે તો મહાદેવજી રીઝે છે.

શિવતત્વ જયોર્તીલીંગ આત્મજયોતીરૂપે ગણવામાં આવે છે. ભકતજનો આ શિવલીંગને સૃષ્ટિના વિરાટ સ્વરૂપનું પ્રતિક માનીને પણ પુજન અર્ચન કરે છે.

પવિત્ર શ્રાવણ માસએ મહાદેવજીની આરાધનાનો પવિત્ર સમય છે. સદાશિવને જરાપણ બુધ્ધિ, અહંકાર, મન, ચિત માયા પ્રકૃતિ, ઇન્દ્રીયો કે પાંચ તન્માત્રાઓનું બંધન નથી. લય-પ્રલય, નાદ-નર્તન, સર્જન-વિસર્જન ભોળાનાથને ભજતા રહીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:16 am IST)