મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

મુંબઇમાં ૧૨૦ ઇંચ વરસાદ પડી ગયો

ગયા વર્ષ કરતા ૪૦ ઇંચ વધારે પડયો

મુંબઈ, તા.૧૩:મુંંબઈમાં તો છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે પણ જળાશયોમાં હજી પણ છૂટો-છવાયો પડી રહ્યો છે. આ વર્ષે સરેરાશ ૩ હજાર મિલીમીટર જેટલો વરસાદ પડી ચૂકયો છે, જે ગયા વર્ષની સરખામણીમાં એક હજાર મિ.મી.થી વધારે છે. ગયા વર્ષે આ જ સમયે લગભગ બે હજાર મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. તાનસા, મોડક સાગર, વિહાર અને તુલસી ચાર તળાવ સો ટકા ભરાઈ ગયા છે, જયારે મધ્ય વૈતરણા તળાવમાં ૯૪.૭૬ ટકા અને ભાતસામાં ૮૮.૯૮ ટકા તો અપર વૈતરણામાં ૮૭.૧૩ ટકા પાણી છે. મધ્ય વૈતરણા, ભાતસા અને અપર વૈતરણા પણ ઓવરફ્લો થઈ ચૂકયા હોત પણ ગયા અઠવાડિયા સુધી મુશળધાર વરસાદ પડી રહ્યો હોવાને કારણે તકેદારીના પગલારૂપે મધ્ય વૈતરણા અને ભાતસા બંધના દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યા હતો. સોમવારે સવારે તમામ જળાશયોમાં ૧૩ લાખ ૨૭ હજાર ૪૧૦ મિલિયન લિટર જેટલું પાણી હતું. એટલે કે જળાશયોમાં ૯૧.૭૧ ટકા જેટલું પાણી છે. જયારે ગયા વર્ષે આ જ સમયે તમામ જળાશયોમાં ૧૨ લાખ ૬૮ હજાર ૩૮૦ મિલિયન લિટર એટલે કે ૮૭.૬૩ ટકા જેટલું પાણી હતું.

મુંબઈના નેશનલ પાર્કમાં આવેલા તુલસીમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. સોમવાર સુધીમાં તેમાં ૩૬૦૬ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂકયો છે. તેની સામે મુંબઈમાં અત્યાર સુધી સરેરાશ ૨,૫૦૦ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂકયો છે.

(10:12 am IST)