મુખ્ય સમાચાર
News of Tuesday, 13th August 2019

વિમાન મોકલુ કાશ્મીરની સ્થિતિ આવીને જોઇ લો

જમ્મુ-કાશ્મીરના રાજયપાલનો રાહુલ ગાંધીને પડકાર

નવી દિલ્હી, તા.૧૩: જમ્મુ-કાશ્મીરનાં રાજયપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસા સંબંધી ટિપ્પણી વિશે કહ્યું છે કે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષને ખીણની મુલાકાત કરાવવા અને જમીની સ્થિતિનો તાગ મેળવવા માટે વિમાન મોકલશે. રાજયપાલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ની જોગવાઈઓ હટાવવામાં કોઈ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી.

મલિકે કહ્યું કે, મે રાહુલ ગાંધીને અહીં આવવા માટે નિમંત્રણ આપ્યું છે. મે તેમને કહ્યું કે હું તમારા માટે વિમાન મોકલીશ, જેથી તમે સ્થિતિનો તાગ મેળવી શકો અને પછી બોલો. તમે એક જવાબદાર વ્યકિત છો અને તમારે આવી વાત ના કરવી જોઇએ. રાજયપાલ કાશ્મીરમાં હિંસા સંબંધી કેટલાક નેતાઓનાં નિવેદન વિશે પુછવામાં આવી રહેલા પ્રશ્નોનાં જવાબ આપી રહ્યા હતા.

શનિવારની રાત્રે રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, 'જમ્મુ-કાશ્મીરથી હિંસાની કેટલીક ખબરો આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પારદર્શી રીતે આ મામલે ચિંતા વ્યકત કરવી જોઇએ.' રાજયપાલે કહ્યું કે, 'જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની જોગવાઈઓ હટાવવામાં કોઈ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી.' તેમણે કહ્યું કે, કલમ ૩૫-એ અને કલમ-૩૭૦ની મોટાભાગની જોગવાઇઓ સૌના માટે સમાપ્ત કરવામાં આવી છે. ના તો લેહ, કારગિલ, જમ્મુ, રજૌરી અને પુંછમાં ના અહીં (કાશ્મીર)માં આને હટાવવાનો સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ છે.

મલિકે કહ્યું કે, આ મુદ્દાને મુઠ્ઠીભર લોકો હવા આપી રહ્યા છે, પરંતુ તેઓ આમા સફળ નહીં થાય. વિદેશી મીડિયાએ ખોટુ રિપોર્ટિંગ કરવાનો પ્રયત્ન કર્યો અને અમે ચેતવણી આપી છે. તમામ હોસ્પિટલો તમારા માટે ખુલ્લી છે અને જો કોઈ એકપણ વ્યકિતને ગોળી લાગી હોય તો તમે સાબિત કરી દો. જયારે કેટલાક યુવકો હિંસા કરી રહ્યા હતા ત્યારે તેમને પેલેટથી પગમાં ગોળી મારવામાં આવી છે અને આમાં કોઇપણ ગંભીર રીતે ઘવાયું નથી.

(10:07 am IST)