મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

બજારમાં મંદી : સેંસેક્સ ફરી ૨૦૩ પોઇન્ટ ઘટી બંધ રહ્યો

ડોલરની સામે રૃપિયો ૧૦ પૈસા મજબુત થયો : નિફ્ટીમાં પણ ૬૫ પોઇન્ટનો ઘટાડો થયો : બેંકિંગ અને ઓટોના શેરોમાં જોરદાર કડાકો : કારોબારીઓ નિરાશ

મુંબઇ,તા. ૧૫ : શેર બજાર બુધવારે શરૃઆતી કારોબાર ઉછાળા સાથે ખુલ્યો હતો પરંતુ બજાર બંધ થતાં આ તેજી ઘટાડામાં પરિણમી હતી. સેંસેક્સ ૨૨૦ પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો હતો પરંતુ સેંસેક્સ ૨૦૩ પોઇન્ટના ઘટાડા સાથે ૩૭૧૧૪ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ નિફ્ટીમાં પણ ૬૫ પોઇન્ટનો ઘટાડો થતા તેની સપાટી ૧૧૧૫૭ના સ્તરે બંધ રહી હતી. ખાસ કરીને બેંકિંગ અને ઓટો કંપનીઓના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ યશ બેંકમાં ૮.૪૫ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે તાતા મોટર્સના શેરમાં ૭.૫૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સાર્વજનિક ક્ષેત્રની દિગ્ગજ કંપની કોલ ઇન્ડિયાના શેરમાં પણ ૩.૩૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તાતા સ્ટીલ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, તાતા સ્ટીલ, મારુતિ અને યુનિલીવર જેવી કંપનીઓના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ઘટીને ૩.૭ ટકા થયો છે. હોલસેલ મોંઘવારીમાં રાહત થઇ છે. એપ્રિલ મહિનામાં ઘટીને તે ૩.૦૭ ટકા થઇ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો માર્ચ ૨૦૧૯માં ૩.૧૮ ટકા હતો જે એપ્રિલ ૨૦૧૮માં ૩.૬૨ ટકા થઇ ગયો છે. શાકભાજીની કિંમતો વધવાથી એપ્રિલમાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ફુગાવામાં વધારો થયો છે. સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં શાકભાજીમાં ફુગાવો ૪૦.૬૫ ટકા સુધી પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં આ આંકડો ૨૮.૧૩ ટકા હતો. ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં ફુગાવો માર્ચમાં ૫.૬૮ ટકાથી વધીને એપ્રિલ ૨૦૧૯માં ૭.૩૭ ટકા થઇ ગયો છે. રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષામાં મુખ્યરીતે રિટેલ ફુગાવાના આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે છે. રિઝર્વ બેંકે ગયા મહિને રેપોરેટમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો રેપોરેટમાં કરવામાં આવ્યો હતો. સોમવારના દિવસે રિટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવાનો આંકડો ૨.૯૨ ટકા સુધી પહોંચી ગયો છે. શાકભાજી, માંસ, ફિશ અને ઇંડા જેવી ચીજવસ્તુઓ મોંઘી બની છે. રિઝર્વ બેંકે એપ્રિલ-સપ્ટેમ્બર અવધિમાં રિટેલ ફુગાવો ૨.૯ ટકાથી ૩ ટકાની વચ્ચે રહેવાનો અંદાજ મુક્યો છે. ગઇકાલે મંગળવારે કારોબારના અંતે સેંસેક્સ ૨૨૮ પોઇન્ટ સુધરીને ૩૭૩૧૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સનફાર્મા, ભારતી એરટેલ, વેદાંતા, ઇન્ડસઇન્ડ બેંક, એસબીઆઇના શેરમાં સૌથી વધારે તેજી રહી હતી.નિફ્ટીમાં ૭૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૨૨૨ રહી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફવોર વધુ ગંભીર બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.  પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, વેપાર મંત્રણા સફળ થવાની અપેક્ષા ખુબ ઓછી દેખાઈ રહી છે.

(7:50 pm IST)