મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

મોન્સેન્ટો કંપનીને રૂ. ૧૪૫૦૦ કરોડનો દંડ

બીટી કોટન અને રીંગણને લઇને પણ કંપની સામે ઉઠયા છે સવાલ : પ્રોડકટથી કેન્સર થવાના મામલે કંપની હારી : ગુજરાતમાં ૩૦થી વધુ દવા વેંચી રહી છે મોન્સેન્ટો ૪૦થી વધુ પાક માટે બિયારણ પણ મોન્સેન્ટો બનાવે છે

નવી દિલ્હી તા. ૧૫ : અમેરિકાની ટોચની મોન્સેન્ટો કંપનીને ૧૪૫ અબજ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. કેલીફોર્નિયાની અદાલતે આ દંડ ફટકાર્યો છે. કંપનીના નિંદામણથી કેન્સર થતું હોવાનું ખુલ્યું છે. કંપનીએ આ વાત છુપાવી હતી.

મોન્સાન્ટોની જંગલી ઘાસનો નિકાલ કરવા માટે અનેક દેશોમાં ઉપયોગમાં લેવાતી પ્રોડકટ રાઉન્ડઅપ ઘણા વર્ષોથી વિવાદમાં છે અને ઘણા ગ્રાહકોએ તેનાથી કેન્સર થતું હોવાના આરોપ લગાવીને કેસ પણ કર્યા છે. કેટલાક કેસમાં કંપનીની વિરૂદ્ઘમાં ચુકાદા આવ્યા છે. સોમવારે કેલિફોર્નિયાની કોર્ટે આવા એક ચૂકાદામાં એક દંપતીને ૨.૦૫૫ અબજ ડોલર (લગભગ રૂ. ૧૪,૦૦૦ કરોડ) ચૂકવવા કંપનીને આદેશ આપ્યો હતો.

આ પ્રોડકટનું ઉત્પાદન કરતી મોન્સાન્ટો એગ્રીકેમિકલ કંપની ભારપૂર્વક જણાવતી આવી છે કે, તેની ગ્લાયફોસેટ-આધારિત આ પ્રોડકટથી કેન્સર થતું નથી. જર્મનીની અગ્રણી કંપની બેયર AGએ ગયા વર્ષે ૬૩ અબજ ડોલર ચૂકવીને મોન્સાન્ટોને ખરીદી હતી.

પતિ-પત્ની આલ્વા અને અલ્બર્ટા પિલિયોડે કંપનીના રાઉન્ડઅપ કેમિકલને કારણે કેન્સર થયું હોવાનો કેસ કર્યો હતો. આ કપલના વકીલોએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે, 'કોર્ટે કરેલી તપાસમાં એવું નોંધ્યું હતું કે, કંપનીના ઈન્ટર્નલ ડોકયુમેન્ટ્સને જોતાં લાગતું જ નથી કે કંપનીને આ પ્રોડકટ સલામત છે કે નહીં તે શોધવામાં રસ હોય. કંપનીએ નક્કર સાયન્સ પાછળ રોકાણ કરવાને સ્થાને તેના વિરોધમાં જંગી રોકાણ કર્યું હતું.' બેયરે જણાવ્યું હતું કે, તે જયુરીના નિર્ણયથી નારાજ છે અને તે ચુકાદાને પડકારશે. બેયરે ગયા મહિને જાહેર કર્યું હતું કે, અમેરિકામાં રાઉન્ડઅપ પ્રોડકટ સામે ૧૩,૦૦૦ કેસ થયા હતા.

તાજેતરના મહિનામાં મોન્સાન્ટો સામે આ ત્રીજો સૌથી મોટો ચુકાદો છે. અગાઉ તે કેલિફોર્નિયાની સ્કૂલના માળીએ કેસ કર્યો હતો, જેમાં કંપનીને કરોડો ડોલર ચૂકવવાનો આદેશ થયો હતો અને બાદમાં અમેરિકાના એક નિવૃત્ત નાગરિકે કરેલા કેસમાં કંપનીને ૮ કરોડ ડોલર (લગભગ રૂ. ૫૫૫ કરોડ) ચૂકવવાનો આદેશ થયો હતો.

(3:56 pm IST)