મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

પેટીએમના રૂ. ૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશઃ અનેક કર્મચારી બરતરફ

છેતરપિંડી સામે આવતાં કંપનીએ સેંકડો વિક્રેતાઓને પણ પ્લેટફોર્મ પરથી હટાવ્યા

મુંબઇ તા. ૧પઃ ઓનલાઇન પેમેન્ટ કંપની પેટીએમએ રૂ. ૧૦ કરોડ કરતાં વધુ રકમની છેતરપિંડી કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ કંપનીએ કેટલાય કર્મચારીઓને બરતરફ કરી દીધા છે અને સેંકડોની સંખ્યામાં વિક્રેતાઓને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. પીટીએમના વડા વિજય શેખર શર્માએ આ જાણકારી આપી હતી. કંપનીએ નાના દુકાનદારો અને વિક્રેતાઓને કુલ કેશબેકનો મોટો હિસ્સો પ્રાપ્ત થવામાં તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ આ રેકેટ સામે આવ્યું હતું.

શેખર શર્માએ જણાવ્યું હતું કે દિવાળી બાદ મારી ટીમના ધ્યાન પર આવ્યું હતું કે કેટલાક વિક્રેતાને કુલ કેશબેકની વધુ ટકાવારી હાંસલ થઇ છે. અમે અમારા ઓડિટર્સને તેની વધુ ગહન તપાસ કરવા માટે જણાવ્યું છે. કંપનીએ આ માટે કન્સલ્ટન્સી કંપની ઇવાયની સેવાઓ લીધી છે. તપાસમાં કંપનીના કેટલાક જુનિયર કર્મચારીઓ અને વિક્રેતાઓની સાઠગાંઠ બહાર આવી છે. આ સમગ્ર કૌભાંડ ૧૦ લાખથી વધુ રકમનું હોવાનો અંદાજ છે.

પેટીએમએ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

દરમિયાન પેટીએમએ સિટી બેન્ક સાથે મળીને પોતાનું પ્રથમ ક્રેડિટકાર્ડ લોન્ચ કર્યું છે, જેનું નામ પેટીએમ ફર્સ્ટ કાર્ડ રાખવામાં આવ્યું છે. આ કાર્ડથી યુઝર્સને ઘણા ફાયદા મળશે.

 પેટીએમ ફર્સ્ટ કાર્ડમાં યુઝર્સને અનલિમિટેડ કેશબેક મળશે.

 સમગ્ર ભારત ઉપરાંત ગ્લોબલી એકસેપ્ટેડ હશે.

 કાર્ડ પર કોઇ હિડન ચાર્જ નહીં હોય.

 દર વર્ષે રૂ. પ૦ હજારથી વધુ ખર્ચ પર કંપની કાર્ડના એન્યુઅલ ચાર્જ રૂ. પ૦૦ માફ કરશે.

 કસ્ટમર્સને ઇએમઆઇની ઓફર મળશે.

 કસ્ટમર્સને પ્રથમ ચાર મહિનામાં રૂ. ૧૦ હજારની એમાઉન્ટ ખર્ચવા પર ૧૦ હજારની કિંમતના પેટીએમ પ્રોમોકોડ્સ મળશે.

(3:43 pm IST)