મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

ચૂંટણી પરિણામ બાદ કર્ણાટક ભાજપના ધારાસભ્યો પોતાની મેળે જ કોંગ્રેસમાં જોડાશેઃ વેણુગોપાલ

બેંગલોર, તા.૧૫: કોંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલે મંગળવારે એવો દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમા સામેલ થવાના છે. તેમણે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર ઉદભવેલી આશંકાને પણ ફગાવી દીધી હતી. યેદિયુરપ્પાએ તાજેતરમા જ કહ્યું હતું કે કર્ણાટક સરકારની સ્થિરતા એ વાત પર આધારિત છે કે લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસનાં ૨૦ 'નારાજ'ધારાસભ્યો કયું પગલું ભરે છે? વેણુગોપાલે કેન્દ્રમા કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર બનશે તેવો દાવો કરતા કહ્યું 'અમને પૂર્ણ વિશ્વાસ છે કે લોકસભા ચૂંટણીમા વિજય મેળવીને કોંગ્રેસ પાર્ટી જ સરકાર બનાવશે. દેશની જનતા પણ હવે કેન્દ્ર સરકાર બદલાય તેવું ઈચ્છી રહી છે અને તેવું જ થશે. ચૂંટણી પરિણામ બાદ ભાજપ સરકાર કર્ણાટક સરકારનો પાયો કેવી રીતે હલાવી શકે છે તે જોઈએ છે. અમે ભાજપનાં કોઈ ધારાસભ્યોને અમારી પાર્ટીમાં લાવવા માટેનાં પ્રયત્નો નથી કરી રહ્યા પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ તેઓ સ્વેચ્છાએ જ અમારી સાથે જોડાઈ જશે.'

(3:32 pm IST)