મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

યુપીના આ જિલ્લામાં જૂનથી હેલમેટ નહિ પહેર્યા હોય તો ટુ વ્હિલર્સ ચાલકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ નહિ મળે

ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ડીલર્સને આદેશ આપી દીધા

નવી દિલ્હીઃ ટ્રાફિકના નિયમોનો પાલન ન કરતા લોકોને ખાસ ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. ઉત્તમ પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં એક જૂનથી હેલમેટ નહિ પહેર્યા હોય તેવા 2 વ્હિલર્સ ચાલકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ નહિ મળે.

  જિલ્લાધિકારી બ્રિજેશ નારાયણ સિંહે આ સંબંધમાં જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ડીલર્સને આદેશ આપી દીધા છે. મંગળવારે જિલ્લાધિકારીએ એક બેઠકમાં પેટ્રોલ પંપ ડીલરને કહ્યું કે તેઓ એક જૂનથી આ નિર્ણયનું સખ્તીથી પાલન કરે. પ્રશાસને રોડ સુરક્ષા પ્રત્યે જાગરુકતા લાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે.

  જિલ્લાધિકારી બ્રિજેશ નારાયણ સિંહે જણાવ્યું કે 31 મે બાદ જનપદના કોઈપણ પેટ્રોલ પંપ પર હેલમેટ પહેર્યા વિના આવેલ ટૂ-વ્હિલર્સ વાહન ચાલકોને પેટ્રોલ નહિ આપવામાં આવે. તેમણે જણાવ્યું કે રોડ અકસ્માતોમાં અવારનવાર થઈ રહેલી હત્યાઓને પગલે જિલ્લા પ્રશાસને લોકોના જાન-માલની રક્ષા કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે.

   જિલ્લાધિકારીએ જણાવ્યું કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 અંતર્ગત વાહન ચાલક તથા સવારી દ્વારા કોઈપણ ટૂ-વ્હિલર વાન પર યાત્રા કરતી વખતે હેલમેટ પહેરવો જરૂરી છે. આ અંતર્ગત હેલમેટ ન પહેરવો આઈપીસીની કલમ 188 અંતર્ગત એક ગુનો છે, જેમાં 6 માસ સુધીની જેલ થઈ શકે છે. તેમણે પેટ્રોલ પંપ ડીલર્સને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા લગાવે જેથી હેલમેટ પહેર્યા વિના પેટ્રોલ નખાવવા આવતા લોકો કેમેરામાં કેદ થઈ શકે.

(12:07 pm IST)