મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

ધાર્મિક આધાર પર મત માંગનારા નેતાઓ સામે સુપ્રીમની લાલઆંખ

ચૂંટણી પંચની મર્યાદિત શક્તિને લઇને પણ નારાજગી વ્યક્ત કરી : સુપ્રીમ કોર્ટમાં કાલેહાજર રહેવા ચૂંટણી પંચના અધિકારીઓને સુપ્રીમ કોર્ટનો આદેશ : ધર્મ અને જાતિના આધાર પર મત માંગનારા સામે પગલાની સૂચના

નવીદિલ્હી, તા. ૧૫ : સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન પોતાની રેલીઓમાં ધાર્મિક આધાર પર મત માંગનાર નેતાઓ સામે કાર્યવાહી ન કરવા બદલ ચૂંટણી પંચની મર્યાદિત શક્તિઓને લઇને નારાજગી વ્યક્ત કરી છે. ધાર્મિક આધાર પર મત માંગનાર નેતાઓ સામે સુપ્રીમે લાલઆંખ કરીને ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. ચીફ જસ્ટિસના નેતૃત્વમાં બેંચે ચૂંટણી પંચના પ્રતિનિધિઓને આ મામલામાં આવતીકાલે કોર્ટમાં રજૂ થવા માટે પણ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વેળા આ મુજબનો આદેશ કર્યો હતો. આ અરજીમાં એવા પક્ષોની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી જેમના નેતા ધર્મ અને જાતિના આધાર પર ચૂંટણીમાં મત માંગી રહ્યા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એમ પણ કહ્યું હતું કે, માયાવતીએ પોતાના ધાર્મિક આધાર પર મત માંગવાવાળા નિવેદન બાદ નોટિસનો જવાબ આપ્યો નથી. આ સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, તેમની પાસે શક્તિઓ મર્યાદિત છે. સુપ્રીમ કોર્ટ આ મામલામાં આવતીકાલે ફરી સુનાવમી કરશે. ચૂંટણી પંચના અધિકારીઓને કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ દેવબંધમાં સપા અને બસપાની રેલીમાં માયાવતીએ કહ્યું હતું કે, મુસ્લિમ મતદારોએ ભાવનાઓમાં જઇને તેમના મત વિભાજનની સ્થિતિ સર્જાય તેવા પ્રયાસ કરવા જોઇએ નહીં. આ નિવેદનને લઇને અનેક પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આ નિવેદનના જવાબમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બજરંગબલી અને અલીનો ઉલ્લેખ કરીને માયાવતી ઉપર પ્રહાર કર્યા હતા. યોગીની આ નિવેદન બાદ વ્યાપક ટિકા થઇ હતી. ત્યારબાદ ગયા ગુરુવારના દિવસે ચૂંટણ પંચે બંને નેતાઓને નોટિસ ફટકારી હતી. ચૂંટણી પંચે માયાવતીને આચારસંહિતાનો ભંગ થયાનો દાવો કરીને કલમ ૧૨૩-૩ હેઠળ જનપ્રતિનિધિ કાનૂનના ભંગમાં દોષિત ગણ્યા હતા. આ કાયદા હેઠળ ઉમેદવાર ધાર્મિક આધાર પર મતદારો પાસેથી મત માંગી શકે નહીં. બીજી બાજુ યોગીને પણ નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, યોગીએ નોટિસનો જવાબ આપ્યો હતો અને ફરીવાર આવા નિવેદન નહીેં કરવાની વાત પણ કરી હતી. જો કે, આ હવે ગરમી પકડી રહ્યો છે. આગામી દિવસોમાં આને લઇને હોબાળો થઇ શકે છે. ચૂંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આગામી દિવસોમાં ધાર્મિક આધાર પર નિવેદન કરનાર સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ટિકા કર હતી. માયાવતી અને યોગી આદિત્યનાથની સામે કયા પગલા લેવામાં આવ્યા છે તે અંગે જવાબ આપવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો. અલી અને બજરંગબલીના નિવેદનને લઇને હવે યોગી પર કઠોર કાર્યવાહી કરવામાં આવી છે. આડેધડ નિવેદનનો દોર ચૂંટણી પ્રચાર દરમિયાન જારી રહ્યો છે. આઝમ ખાન પણ વિવાદના ઘેરામાં આવી ગયા છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાને જયાપ્રદાને લઇને ખુબ જ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.

 

(12:00 am IST)