મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

ચીનના વલણથી રાહુલ ગાંધી કેમ ખુશ થાય છે : કેન્દ્રીયમંત્રિ રવિશંકરનો સવાલ

મસુદ અઝહરના મુદ્દે રાજકીય સંગ્રામની સ્થિતિ શરૂ થઇ : નરેન્દ્ર મોદી શી જિંગપિંગથી ભયભીત છે તેવા રાહુલ ગાંધીના નવા નિવેદનથી નારાજગીનું મોજુ : ચીનનું વલણ ભારતને લઇને હંમેશા જ ખતરનાક રહ્યું છે

નવીદિલ્હી, તા. ૧૪ : ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસમાં ચીને અડચણો મુકી દેતા ભારતમાં રાજકીય સંગ્રામની સ્થિતિ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રમુખ શી જિંગપિંગથી ભયભીત છે. ચીનની સામે મોદી કોઇ નિવેદન કરતા નથી. આના જવાબમાં ભાજપે રાહુલ ઉપર વળતા આક્ષેપ કરતા કહ્યું છે કે, જ્યારે દેશ દુખી હોય છે ત્યારે રાહુલ ગાંધી ખુશ કેમ દેખાય છે તે બાબત સમજાતી નથી. ભાજપે આની સાથે સાથે રાહુલ ઉપર કેટલાક પ્રશ્નો પણ કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, મોદી જિંગપિંગથી ભયભીત દેખાઈ રહ્યા છે. જ્યારે ચીન ભારતની સામે કોઇ પગલા લે છે ત્યારે તેઓ કોઇ નિવેદન કરતા નથી. મોદીની ચીનની રાજનીતિ હળવી રહી છે. ચીનની સામે હળવું વલણ અપનાવી રહ્યા છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેકનિકલી પ્રતિબંધ મુકી દીધો છે. બીજી બાજુ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતા ભાજપના પ્રવક્તા અને કેન્દ્રીયમંત્રિ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, જ્યારે ભારતમાં કોઇ નારાજગી હોય છે ત્યારે રાહુલ ગાંધી ખુશ દેખાય છે. રાજનીતિમાં વિરોધની પ્રક્રિયા જુદી છે પરંતુ આતંકવાદના મામલા પર રાહુલ ગાંધીનું નિવેદન હાસ્યાસ્પદ લાગે છે. ૨૦૦૯માં યુપીએ દ્વારા મસુદ અઝહર પર પ્રતિબંધ મુકાવવાના પ્રયાસ કરાયા ત્યારે પણ ચીને આવું જ વલણ અપનાવ્યું હતું. રાહુલે કોઇ ટિપ્પણી કરી ન હતી. પ્રસાદે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના ચીન સાથે સારા સંબંધ છે. ડોકલામના મુદ્દા ઉપર ચીનના રાજદૂત સાથે વાતચીત કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં મસુદ અઝહરના મુદ્દા પર પોતાના સંબંધોનો ઉપયોગ કરીને ચીનને કેમ સમજાવતા નથી. પુલવામા હુમલા બાદ રાહુલ ગાંધી માત્ર બે દિવસ સુધી સરકારની સાથે રહ્યા હતા ત્યારબાદ રાહુલે હવાઈ હુમલા પર પ્રશ્નો ઉઠાવી દીધા હતા. તેમના નેતાઓ પુરાવા માંગી રહ્યા છે. ભાજપે ટ્વિટ કરીને કહ્યું છે કે, ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો હિસ્સો પણ જો તેમના ગ્રાન્ટ ફાધર દ્વારા ભુલ ન કરી હોત તો આજે ચીન સુરક્ષા પરિષદમાં સામેલ રહ્યું ન હોત. જવાહરલાલ નહેરુના કારણે જ ચીન આમા સામેલ થઇ શક્યું હતું. ભારત કોંગ્રેસના પરિવારની ભુલો હવે સુધારવામાં વ્યસ્ત છે પરંતુ હવે આતંકવાદ સામેની લડાઇમાં ભારતની ચોક્કસપણે જીત થશે. બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે, રાહુલ ગાંધી ચીન ઉપર દબાણ વધારે તેમ ભાજપના નેતાઓ ઇચ્છે છે. લોકો જાણે છે કે, કોંગ્રેસ પાર્ટીના લોકો યોગ્ય નિવેદન કરે છે. વૈશ્વિક આતંકવાદી તરીકે મસુદને જાહેર કરવાને લઇને ચીને અડચણો ઉભી કરવાની શરૂઆત કરી દીધી છે.

(7:49 pm IST)