મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

ઓછી માંગને કારણે

ઓટો ડીલર્સ પાસે વેચાયા વગરના વાહનોનો ભરાવો

નવી દિલ્‍હી તા. ૧૪ : ઓછી માંગને કારણે ઓટોમોબાઇલ ડીલર્સને ત્‍યાં વાહનોનો ભરાવો થઈ ગયો છે. વધી રહેલા માલને કારણે પરેશાન ડીલર્સે કંપનીઓને ઉત્‍પાદનમાં કાપ મૂકવાની અને ઇન્‍વેન્‍ટરીનું લેવલ સરખું કરવાની વિનંતી કરી છે. છેલ્લા કેટલાક મહિનાથી ઓટોમોબાઇલ્‍સની માંગ નરમ પડવાને કારણે વેચાણ નરમ પડ્‍યું હોવાથી તમામ ડીલરશિપ્‍સ ખાતે ઇન્‍વેન્‍ટરીનું લેવલ ઘણા ઊંચા સ્‍તરે પહોંચી ગયું છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (FADA) પાસે ઉપલબ્‍ધ ડેટા પ્રમાણે, પેસેન્‍જર વ્‍હિકલની ઇન્‍વેન્‍ટરી હવે ૫૦-૬૦ દિવસના સ્‍તરે છે જયારે ટુ-વ્‍હીલર્સની ઇન્‍વેન્‍ટરીનું લેવલ ૮૦-૯૦ દિવસના અત્‍યંત ઊંચા સ્‍તરે છે. કોમર્શિયલ વ્‍હિકલની ઇન્‍વેન્‍ટરી ૪૦-૫૦ દિવસની વચ્‍ચે છે. FADAના પ્રેસિડન્‍ટ આશિષ કાલે કહે છે કે, ‘ટુ-વ્‍હીલર્સની ઇન્‍વેન્‍ટરીનું લેવલ તો ચિંતાજનક સ્‍તરે પહોંચી ગયું છે અને સાવધાન રહેવાની ચેતવણી આપી રહ્યું છે, કેટલાક વિસ્‍તારોમાં તો તેનું લેવલ આજની તારીખમાં ઉપલબ્‍ધ રિટેલ પરિસ્‍થિતિના આધારે ૧૦૦ દિવસના અતિઊંચા સ્‍તરે પહોંચ્‍યું છે.'

તાજેતરમાં વિવિધ કારણોસર ઓપરેશનલ કોસ્‍ટમાં નોંધપાત્ર વધારો થયો હતો તેમજ કાર્યકારી મૂડીની જરૂરિયાત પણ વધી હતી. તરલતાની તંગીના માહોલ વચ્‍ચે પડકારોનો સામનો કરી રહેલા ઓટોમોબાઇલ ડીલર્સને ત્‍યાં વધતી ઇન્‍વેન્‍ટરીનો મેન્‍ટેનન્‍સ ખર્ચ ઘણો વધી જાય છે તેમજ વધારાનો ખર્ચ પણ વેઠવો પડે છે જેને સરભર કરી શકાતો નથી. ઓછામાં પૂરું માંગ પણ ઘટી રહી હોવાથી ડીલર્સ કફોડી સ્‍થિતિનો સામનો કરી રહ્યા છે આથી, તેમણે માર્ચ અને એપ્રિલમાં ઇન્‍વેન્‍ટરીનું લેવલ તાત્‍કાલિક ઘટાડવું પડે એવી સ્‍થિતિ સર્જાઈ છે એમ કાલેએ ઉમેર્યું હતું.

ગયા મહિને ઓટોમોબાઇલ્‍સની રિટેલ માંગ તીવ્રપણે ઘટી હતી. માર્કેટમાં લિક્‍વિડિટીની પરિસ્‍થિતિ અતિચુસ્‍ત છે અને વ્‍યાજના દર ઊંચા હોવાથી ગ્રાહકો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. FADA દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, ફેબ્રુઆરીમાં પેસેન્‍જર વ્‍હિકલનું વેચાણ ૮.૨૫ ટકા ઘટીને ૨,૧૫,૨૭૬ યુનિટ થયું હતું જયારે કોમર્શિયલ વ્‍હિકલનું રજિસ્‍ટ્રેશન પણ ૭.૦૮ ટકા ઘટીને ૬૧,૧૩૪ યુનિટ થયું હતું. દરમિયાન, ટુ-વ્‍હીલરનું રજિસ્‍ટ્રેશન ૭.૯૭ ટકા ઘટીને ૧૧,૨૫,૪૦૫ યુનિટ થયું હતું.

(4:37 pm IST)