મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

મધ્યપ્રદેશમાં દેશીદારૂની દુકાનોમાં મળશે વિદેશી દારૂ

કમલનાથ સરકારે મહેસુલી આવક વધારવા આપી મંજૂરી : લાયસન્સ ફી ૨૦ ટકા વધારી દીધી

ભોપાલ તા. ૧૪ : મધ્યપ્રદેશની નવી કોંગ્રેસ સરકારે મહેસુલી આવક વધારવાની કવાયત હાથ ધરી છે. કોંગ્રેસની કમલનાથ સરકારે ઇમ્પોર્ટ નીતિમાં ફેરફાર કર્યો છે જેમાં દેશી દારૂની દુકાનો પર વિદેશ દારૂ વેચવાની યોજનાને લીલીઝંડી આપવામાં આવી છે. જો કે હાલમાં ચાલી રહેલા આચારસંહિતાને લઇને આ યોજનાની મંજૂરી માટે ચૂંટણી આયોગ પાસે મોકલવામાં આવી છે.

આ સાથે જ દારૂની દુકાન માટેના લાઇસન્સની ફીમાં ૨૦ ટકાના વધારાનો જે પ્રસ્તાવ કેબિનેટ દ્વારા પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને પણ ચૂંટણી આયોગની મંજુરી બાદ જ અમલમાં લાવી શકાશે. આ પાછળનો મુખ્ય હેતુ, ઇમ્પોર્ટ દ્વારા મહેસૂલી આવકમાં વધારાનો છે, ત્યારે આચારસંહિતા અમલી હોવાના કારણે કોઇપણ સરકાર કોઇપણ જાતના નિર્ણયો સીધે સીધા લઇ શકતી નથી, કોઇપણ નિર્ણય લેવા માટે ચૂંટણી આયોગની મંજુરી મેળવ્યા બાદ જ કોઇ નિર્ણય લઇ શકે છે, ત્યારે કમલનાથ સરકારને પણ આ નિર્ણય માટે ચૂંટણી આયોગની મંજૂરી મેળવવી જરૂરી બની છે.

મધ્યપ્રદેશમાં દેશી તેમજ વિદેશી દારૂની કુલ ૩૨૦૦ જેટલી દુકાનો છે. જેમાંથી લગભગ ૨,૨૦૦ જેટલી દુકાનો તો માત્ર દેશી દારૂની જ છે. ૧૦૦૦ જેટલી દુકાનો પર વિદેશી દારૂ મળે છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં દેશી દારૂની દુકાનો પ્રમાણમાં વધારે છે. જેથી નવી દુકાનો ખોલવા પર અને દેશી દારૂ દુકાન પરથી વિદેશી દારૂ વેચવા પર સરકારને મહેસૂલી આવકમાં લગભગ ૧૪૫૦ કરોડથી વધારો થઈ શકે છે.કોંગ્રેસ સરકારની આવકની નીતિનો પૂર્વ મુખ્યપ્રધાન તથા ભાજપના ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણે વિરોધ કર્યો છે, આ મામલે શિવરાજસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે, 'લોકસભાની ચૂંટણી વચ્ચે કમલનાથ સરકાર દેશી દારૂની દુકાનો પર વિદેશી દારૂ વેચવાની મંજૂરી આપવાની જાહેરાત કરે છે અને ચૂંટણી આયોગ પાસે નવી નીતિ લાગુ કરવાની અનુમતિ માંગે છે, આ મામલે ભાજપના શાસનમાં મહેસૂલી આવકમાં વધારાના હેતુએ આવા પ્રસ્તાવ પહેલા પણ આવી ચૂકયા છે, પણ રાજયની આવક કરતા રાજયના યુવાનોનું ભવિષ્ય વધારે મહત્વનું છે, એટલા માટે જ અમારી સરકારે આવા કોઇ પ્રસ્તાવને સમર્થન નથી આપ્યું.'

આ મામલે વધુમાં જણાવ્યું કે, આ એક અનર્થકારી પગલું છે, ભવિષ્યને નશાની લતમાં ધક્કો મારવાનું એક ષડયંત્ર છે, મારી મુખ્યપ્રધાન કમનાથને એક વિનંતી છે કે, તેઓ આવા પગલા ન લે અને આ પ્રસ્તાવને નિરસ્ત કરી દે. આ સાથે જ ચૂંટણી આયોગને પણ અપીલ કરૂ છું કે, આવા કોઇ નિર્ણયને મંજૂરી ન આપે.

(11:29 am IST)