મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

લોકસભા ચૂંટણી ૨૦૧૯ : કર્ણાટકમાં કોંગ્રેસ - જેડી (એસ) વચ્ચે ૨૦-૮ની ફોર્મ્યુલા નક્કી થઇ

બંને પક્ષો વચ્ચે થયેલા કરાર પ્રમાણે કોંગ્રેસ કર્ણાટકની ૨૮માંથી ૨૦ બેઠક પર ચૂંટણી લડશે : જ્યારે બાકીની ૮ બેઠકો પર જનતા દળ (એસ) તેના ઉમેદવારો ઉભા રાખશે

કોચિન તા. ૧૪ : લોકસભા ચૂંટણી ૨૦૧૯દ્ગક તારીખો જાહેર થવાની સાથે જ હવે રાજકીય પક્ષોએ ગઠબંધનની ગતિવિધિઓ અને ઉમેદવારોની યાદી જાહેર કરવાની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. બુધવારે કેરળના કોચિનમાં કર્ણાટક રાજય માટે કોંગ્રેસ અને જનતા દળ(એસ) વચ્ચે સીટોની વહેંચણી અંગે ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ હતી. જેમાં કર્ણાટકની કુલ ૨૮ લોકસભા બેઠકમાંથી કોંગ્રેસ ૨૦ બેઠક પર ચૂંટણી લડશે, જયારે ૮ બેઠક પર જનતા દળ(એસ) તેના ઉમેદવાર ઊભા રાખશે.

એચ.ડી. દેવેગૌડાની પાર્ટીના ઉમેદવારો ઉત્તરા કન્નડા, ચિકમાગલુરુ, શિમોગા, તુમકુર, હાસન, માંડ્યા, બેંગલુરુ ઉત્ત્।ર અને વિજયપુરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જનતા દળ(એસ) તેની પસંદગીની કેટલીક બેઠકો મેળવવામાં સફળ થયું છે, જેમાં શિમોગા, તુમકુર, હાસન, માંડ્યા અને ઉત્ત્।ર બેંગલુરુનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે કેરળના કોચિનમાં જનતા દળ(એસ)ના જનરલ સેક્રેટરિ દાનિશ અલીને મળ્યા હતા અને આ બેઠકમાં કર્ણાટકની લોકસભા બેઠકો પર અંતિમ નિર્ણય લેવાયો હતો.

કોંગ્રેસે ૨૦૧૪માં જીતેલી તુમકુર બેઠક જનતા દળ (એસ)ને આપી હતી, આ સિવાય તેણે ગત લોકસભા ચૂંટણીમાં જીતેલી તમામ બેઠકો પોતાની પાસે રાખી હતી. કોંગ્રેસે મૈસૂર સીટ પોતાની પાસે રાખી છે. ઉલ્લેખનીય છે કે મૈસૂર બેઠક પૂર્વ મુખ્યમંત્રી સિદ્ઘારમૈય્યાની ગૃહમથક છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, જેડી(એસ) દ્વારા કોંગ્રેસ પાસે ૧૨ બેઠકોની માગણી કરાઈ હતી. જોકે, કોંગ્રેસ જેડી(એસ)ને ૬થી વધુ સીટ આપવાના મૂડમાં ન હતી. આખરે ૮ બેઠકો પર સમાધાન થયું હતું. બંને પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે સમાધાન થઈ ગયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસામી રાહુલ ગાંધીને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનની સરકાર સત્તામાં છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપે લોકસભાની ૧૭ બેઠકો જીતી હતી, જયારે કોંગ્રેસે ૯ અને જેડી(એસ)એ બે બેઠકો જીતી હતી. ભાજપને કુલ ૪૩ ટકા વોટ મળ્યા હતા, જયારે કોંગ્રેસ-જેડી(એસ)ને સંયુકત રીતે ૫૨ ટકા વોટ મળ્યા હતા.

(10:36 am IST)