મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

બજારમાં તેજી જારી : સેંસેક્સમાં વધુ ૨૧૬ પોઇન્ટ સુધી ઉછાળો

છેલ્લા ત્રણ સેશનમાં ૧૦૮૧ પોઇન્ટનો રેકોર્ડ ઉછાળો નોંધાયો : નિફ્ટીમાં ૪૦ પોઇન્ટનો ઉછાળો : ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ ૪.૧૫ ટકા સુધીનો ઉછાળો નોંધાયો : ભારતી એરટેલના શેરમાં થયેલું સૌથી વધુ નુકસાન

મુંબઇ,તા. ૧૩ : શેરબજારમાં આજે પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયામાં મજબૂતી તથા વિદેશી સંસ્થાક મૂડીરોકાણકારો તરફથી રોકાણ પ્રવાહ જારી રહેતા બેંકના શેરોમાં ભારે લેવાલી જોવા મળી છે. બોંબે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના ૩૦ શેર સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ અથવા તો ૦.૫૮ ટકા  ઉછળીને ૩૭૭૫૨.૧૭ની સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ શેર નિફ્ટી ૪૦ પોઇન્ટ અથવા તો ૦.૩૬ ટકા ઉછળીને ૧૧૩૪૧.૭૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સના શેરોની વાત કરવામાં આવે તો ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૪.૧૫ ટકાનો ઉછાળો થયો હતો. ફાયદામાં રહેનાર અન્ય મુખ્ય શેરોમાં યશ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડએફસી બેંક, એસબીઆઈ, બજાજ ઓટો, આરઆઈએલ, એચસીએલ ટેક, એચડીએફસી તથા આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે. આ તમામમાં ૩.૬૭ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. બીજી બાજુ વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ૪.૦૮ ટકાનું નુકસાન થયું હતું. નુકસાનમાં રહેનાર અન્ય શેરોમાં વેદાંતા, સન ફાર્મા, તાતા સ્ટીલ, ઓએનજીસી, તાતા મોટર્સ, એનટીપીસી તથા કોલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે જેમાં ૧.૪૨ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૬૦૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.  જાણકાર લોકોના કહેવા મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત હવે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં તેની અસર રહી શકે છે. ચૂંટણી પહેલાના ઘટનાક્રમની અસર પણ રહી શકે છે.અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ પાંચ કારોબારી સેશનમાં મૂડી માર્કેટમાં ૨૭૪૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આના માટે જવાબદાર છે. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો. રિટેલ ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ચાર માસની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારના પરિણામ સ્વરુપે રિટેલ ફુગાવો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. જાન્યુઆરી મહિનામાં ૧.૯૭ ટકાની ૧૯ મહિનાની નીચી સપાટીએ રહેલો સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ફેબ્રુઆરી ૨૦૧૮માં ૪.૪૪ ટકા હતો. અર્થશાસ્ત્રીઓએ ફેબ્રુઆરી મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવો ૨.૪૩ ટકા હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ ફુગાવો તેના કરતા પણ વધારે રહ્યો છે. આ ફુગાવો ૨.૫૭ ટકા રહ્યો છે. સીપીઆઈ ઉપર આધારિત ખાદ્યાન્ન ફુગાવો ૦.૬૬ ટકાની નકારાત્મક સપાટીએ રહ્યો હતો. ગઇકાલે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના ૩૧ શેર સેંસેક્સ ૪૮૨ પોઇન્ટ ઉછળીને ૩૭૫૩૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) ૫૦ શેર નિફ્ટી ૧૩૩ પોઇન્ટ ઉછળીને ૧૧૩૦૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

(12:00 am IST)