મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

છત્તીસગઢ: નક્સલ પ્રભાવિત બસ્તરના 20 લાખ મતદાતાઓ વોટિંગ માટે છે તૈયાર

જગદલપુર (બસ્તર): 12 નવેમ્બરે છત્તીસગઢમાં પહેલા તબક્કાની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે નક્સલ પ્રભાવિત બસ્તરના 20.4 લાખ મતદાતાઓ પણ વોટિંગ માટે તૈયાર છે. આ વોટર્સ માત્ર પોતાના મતાધિકારનો પ્રયોગ જ નહીં કરે, પરંતુ સાથે 20 નવેમ્બરે થનારા બીજા તબક્કાના મતદાનનો ટ્રેન્ડ પ નક્કી કરશે.

બસ્તરમાં 12 વિધાનસભા ક્ષેત્રો આવે છે, અને તેના 1500 બુથ એવા છે કે જેને પોલીસ દ્વારા સૌથી સંવેદનશીલ બુથ જાહેર કરાયા છે. વળી, હાલમાં જ ત્રણ મોટા નક્સલી હુમલા થઈ ચૂક્યા છે, અને તેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે. બસ્તરન 74 ટકા બુથ સંવેદનશીલ છે, અને તેની સુરક્ષા માટે સેન્ટ્રલ ફોર્સીસની 47 બટાલિયનો તૈનાત કરાશે.

બસ્તરમાં કુલ 2100 પોલિંગ બુથ પર વોટિંગ થવાનું છે. જેમાં 2013માં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 60 બુથ એવા હતા કે જ્યાં એકેય વોટ નહોતો પડ્યો, જેમાંથી 37 બુથ તો માત્ર બીજાપુર વિધાનસભા ક્ષેત્રના હતા. નક્સલીઓનો અહીં એટલો પ્રભાવ છે કે, લોકો વોટિંગ માટે બહાર નીકળતા પણ ડરે છે.

ગત ચૂંટણીમાં બસ્તરની 12 બેઠકોમાંથી આઠ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે ભાજપના ફાળે ચાર બેઠકો આવી હતી. અલ્પ વોટિંગને કારણે ક્યારેક ચોક્કસ રાજકીય પક્ષને તેનો મોટો ફાયદો પણ થઈ જતો હોય છે. આ ટ્રેન્ડ આ ચૂંટણીમાં પણ યથાવત રહેવાની શક્યતા છે.

(12:10 pm IST)