મુખ્ય સમાચાર
News of Thursday, 8th November 2018

કુંભ પહેલા પ્રયાગરાજમાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ

કુંભમેળા પહેલા અતિઝડપથી કામ પરિપૂર્ણ થશે : આગામી વર્ષે ૧૫ જાન્યુઆરીથી પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની શરૂઆત થશે : જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ

પ્રયાગરાજ, તા. ૭ : ગંગા, યમુના અને સરસ્વતી નદીના કિનારા પર સ્થિત પ્રયાગરાજને આગામી વર્ષે ૧૫મી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કુંભ મેળાને લઇને જોરદારરીતે શણગારવાનું કામ શરૂ થઇ ચુક્યું છે. કુંભમેળા પહેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ બને તેવી શક્યતા દેખાઈ રહી છે. દેશમાં સૌથી ઝડપથી બનનાર એરપોર્ટ ટર્મિનલ ઇમારતને લઇને ઝડપથી કામ ચાલી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આને રેકોર્ડ ૧૧ મહિનાના ગાળામાં પરિપૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. એએઆઈ એરપોર્ટ ઉપર વધુ વિમાનો આવી શકે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ યોજના ખુબ જ મહાકાય હોવાનું જાણવા મળી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ કહ્યું છે કે, પ્રયાગરાજને દેશના અન્ય રાજ્યો સાથે જોડવાની માંગ ખુબ વધારે જોવા મળી રહી છે. અમે વધુ વિમાનો આવી શકે તે માટે પાર્કિંગ એરિયાને વ્યવસ્થિત બનાવવા ઉપર કામ કરી રહ્યા છે. મહાપાત્રાએ કહ્યું હતું કે, આના માટે પહેલા બનાવવામનાં આવેલી યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે. વધારાના પાર્કિંગ એરિયા બનાવવા પર ૪૦ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવામાં આવશે. પ્રયાગરાજમાં અલ્હાબાદ હાઈકોર્ટ છે. મોટી સંખ્યામાં લોકો અહીં યાત્રા માટે પણ પહોંચે છે. લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચે છે જેથી આ શહેરને જોડનાર વિમાની સેવાને સુધારવા માટે સતત પ્રયાસ થઇ રહ્યા છે. થોડાક મહિના પહેલા જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ ગાળા દરમિયાન નસ ટર્મિનલ બિલ્ડિંગની ક્ષમતા વધારવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. યોગી આદિત્યનાથ વહેલીતકે તમામ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે.

(12:00 am IST)