મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

નોરતુ ત્રીજ

મહામાયા એ વિન્ધ્યપાસીની પર્વત પર નિવાસ કર્યો...!

યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા

વિશ્વેશ્વરી ત્વં પરિપાસિ વિશ્વં

વિશ્વાત્મિકા ધારયસીહ વિશ્વમ્ !

શ્રી વિન્દયવાસિની દેવ્યૈ નમઃ

દુર્ગા સપ્તશતી અનુસાર, દ્વાપર યુગમાં બ્રહમાજીની પ્રેરણાથી યોગમાયાએ ગોકુલનગરમાં નંદ-યશોદાના ઘરમાં જન્મ લીધો. આ યોગમાયાને વસુદેવજી નંદજીના ઘેરથી દેવકી પાસે લઇ ગયા હતાં.

કંસે વસુદેવ-દેવકીના આઠમાં સંતાન સમજીને કન્યારૂપી યોગમાયાને પથ્થર પર પટકીને મારવાનો પ્રયત્ન કર્યો... પરંતુ... યોગમાયા તો તેના હાથમાંથી છૂટીને આસમાન ભણી ચાલ્યા. અને કંસને કહ્યું અરે...! કંસ, તને મારવા વાળો તો જન્મ લઇ ચૂકયો છે. હું કન્યારૂપમાં મહામાયા છું. જેને તુ મારવા લાગ્યો. આટલું કહીને મહામાયા ઉપર ઉડી ગયા અને આકાશ માર્ગે થઇને વિન્ધ્ય પર્વત પર નિવાસ કર્યો જે મા અષ્ટ ભૂજાના નામથી પણ ઓળખાય છે.

વિન્ધ્યપાસિની પર્વત પર નિવાસ કરવાને લીધે તેમનું નામ વિન્ધ્યપાસીની પડયું.  મા વિન્ધ્યપાસીની પરાશકિત હોવાને લીધે, મા વિન્ધ્યપાસીની નિર્ગુણ અને સગુણરૂપા મનાય છે.

શ્રી દેવી ભાગવત મહાપુરાણ અનુસાર વિન્ધ્યપર્વત અને મા ગંગાનો સંગમ થાય છે. જેથી તે સ્થાન મણિદ્રીપ કહેવાય છે.

વિન્ધ્યક્ષેત્રમાં મા ના દર્શન માત્રથી ભકતના કંઇ જન્મોના પાપ મટી જાય છે.

વિન્ધ્ય પર્વતના ત્રણ ખુણામાં બિરાજમાન મા ના ત્રણે સ્વરૂપો ના દર્શન કરવાથી મા ભકતોને ધન, ધાન્ય, પુત્ર, વિદ્યા સાથે મનવાચ્છીત ફળ આપે છે.

શ્રધ્ધાભાવથી કરવામાં આવેલી મા વિન્ધ્યપાસીતની પૂજા પ્રાર્થના ભાવપૂર્વક કરેલા દર્શન માત્રથી ભકતજનોમાં નવી શકિતનો સંચાર થાય છે.

મા વિન્ધ્યપાસીની પોતાના ભકતોને આશિષ આપીને તેમના કષ્ટો દૂર કરે છે.

માતાજીના મંદિરમાં દરરોજ વહેલી સવારે ૪ કલાકે મંગલા આરતી, બપોરે ૧ર વાગ્યે શયન આરતી, સાંજે ૭.૩૦ કલાકે સંધ્યા આરતી, અને રાત્રે ૯.૩૦ કલાકે નિશા આરતી થાય છે. આ આરતી દરમ્યાન ભકતજનો માટે મંદિર બંધ રહે છે.

મા વિન્ધ્યચલ મંદિર પરિસરમાં મા વિન્ધ્યપાસીની દેવી, મા કાલી, અને મા સરસ્વતી, ના દર્શન કરતાં નાની ત્રિકોણ પરિક્રમા કરી શકાય છે.

વિન્ધ્યાચલમાં માતાજીના દર્શન માટે યાત્રાળુ રેલ્વે ટ્રેન દ્વારા વિન્ધ્યાચલ રેલ્વે સ્ટેશન આવી શકે છે. આ રેલ્વે સ્ટેશન મુગલસરાઇ અલ્હાબાદ લાઇન પર મીર્ઝાપુરથી આગળ છે.

મીરઝાપુર વિન્ધ્યાચલ જવા માટે વારાણસી અને અલ્હાબાદથી બસ દ્વારા પણ જઇ શકાય છે. વારાણસીમાં બસ સેવા પીલી કોઠી. ગોલગડ્ડાથી મળે છે. અને કેન્ટ બસ સ્ટેશનથી દર અર્ધી કલાકે મીરઝાપુર-વિન્ધ્યાચલની બસ આસાનીથી મળે છે. અને માત્ર દોઢ બે કલાકમાં ત્યાં પહોંચી શકાય છે.

અહીં સાત્વિક, રાજસ, અને તામસ આ ત્રણ પ્રકારની ત્રિકોણ પરિક્રમા  કરવાની પ્રથા છે. સાત્વિક ત્રિકોણ પરિક્રમામાં અષ્ટભૂમી મા થી કરાય છે. રાજસ ત્રિકોણ પરિક્રમા-મા વિન્ધ્યપાસીની દેવીના દર્શન કરીને શરૂ કરી શકાય. જયારે મા કાલીથી શરૂ થતી ત્રિકોણ પરિક્રમા જયાંથી શરૂ થાય છે ત્યાં જ પાછા ફરીને પૂરી કરી શકાય છે.

ત્રિકોણ યાત્રા સમયે ખાસ એ વાતનો ખ્યાલ રાખવો પડે છે કે, પરિક્રમા સદૈવ આપણા જમણા હાથ તરફના દેવી-દેવતાઓના દર્શન કરતાં પુર્ણ કરી શકાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:52 am IST)