મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

તેલંગણા : કોંગ્રેસના વરિષ્ઠ નેતાના પત્ની સવારે BJPમાં સામેલ : ગણતરીના કલાકોમાં પાછા કોંગ્રેસ ભેગા થયા

તેલંગણામાં ગુરૂવારે મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો

હૈદરાબાદ તા. ૧૨ : તેલંગણામાં ગુરુવારે મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો. તેલંગણામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સી. દામોદર રાજનરસિમ્હાના પત્ની અને સામાજિક કાર્યકર્તા  પદ્મિની રેડ્ડી સવારે ભાજપમાં સામેલ થઈ ગયા પરંતુ મોડી રાતે પાછા કોંગ્રેસમાં પાછા ફર્યાં. રાજનરસિમ્હા અવિભાજિત આંધ્ર પ્રદેશમાં તત્કાલિન મુખ્યમંત્રી એન. કિરણકુમાર  રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતાં. રાજનરસિમ્હા હાલ તેલંગણા ચૂંટણીમાં કોંગ્રેસના ઘોષણાપત્રની સમિતિના પ્રભારી છે.

રાજનરસિમ્હાનું કદ જોતા પદ્મિની જયારે ભાજપમાં સામેલ થયા તો કોંગ્રેસે ખુબ આલોચના અને શરમનો સામનો કરવો પડ્યો હતો. સ્પષ્ટ છે કે રાજય શાખાના અધ્યક્ષ કે. લક્ષ્મણે કહ્યું કે મેડક વિસ્તારમાં સામાજિક કાર્યો અને મહિલાઓ વચ્ચે કાર્યોના માધ્યમથી તેમણે ખુબ ખ્યાતિ મેળવી છે.

તેમણે કહ્યું કે પદ્મિની રેડ્ડી એનડીએ સરકારના સારા કાર્યોને બિરદાવે છે. આથી તેઓ પાર્ટીમાં સામેલ થયા છે.  લક્ષ્મણે કહ્યું કે એનડીએ સરકારે મહિલાઓના હિતોમાં અનેક પગલા લીધા જેમાં સુકન્યા સમૃદ્ઘિ યોજના, માતૃત્વ રજાઓમાં વધારો સામેલ છે. ભાજપના મહાસચિવ પી.મુરલીધર રાવે પદ્મિનીના પાર્ટીમાં સામેલ થવા અંગે ટ્વિટ પણ કરી હતી.

રાવની ટ્વિટ બાદ કોંગ્રેસમાં ઘમસાણ મચી ગયું હતું. આખી હાઈકમાન્ડ રેડ્ડીને મનાવવા લાગી ગઈ હતી. ભાજપના ખુશીઓ બહુ જલદી ગાયબ થઈ ગઈ. મોડી રાતે પદ્મિની પાછા જૂની પાર્ટી કોંગ્રેસમાં સામેલ થઈ ગયાં. પદ્મિની રેડ્ડીએ ઘરવાપસી પર કહ્યું કે તેમણે પાર્ટીમાં પાછા ફરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તેમના કાર્યકર્તાઓ દુઃખી હતાં.

આ બાજુ આ ઘટનાક્રમથી વ્યથિત થયેલ ભાજપે કહ્યું કે તેઓ પદ્મિનીના નિર્ણયનું સન્માન કરે છે. તેલંગણા ભાજપ પ્રવકતાએ કહ્યું કે પદ્મિની રેડ્ડી શિક્ષિત મહિલા છે. ભાજપ એક એવી પાર્ટી છે જે મહિલા સશકિતકરણમાં વિશ્વાસ કરે છે. જયારે તેમણે ભાજપમાં સામેલ થવાની અને કામ કરવાની ઇચ્છા વ્યકત કરી તો અમારે તેમને પૂછવું જોઈતું હતું કે તેમણે પોતાના પતિની મંજૂરી લીધી છે કે નહીં. અમે તો પણ તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ.(૨૧.૬)

(9:51 am IST)