મુખ્ય સમાચાર
News of Wednesday, 11th July 2018

અમરનાથ દર્શન માટે ૫૧૪૪ શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ

વહેલી પરોઢે ૨.૫૦ વાગે શ્રદ્ધાળુઓ રવાના કરાયા : અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી એક લાખ શ્રદ્ધાળુઓના દર્શન : ૨૬મી ઓગસ્ટના દિવસે વાર્ષિક યાત્રા પર્ણ કરાશે

શ્રીનગર,તા. ૧૦ : અમરનાથ દર્શન માટે આજે ૫૧૪૪ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ હતી. કાશ્મીર ખીણ માટે આ તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે સવારે ૫૧૪૪ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા જે પૈકી પરંપરાગત પહેલગામ માટે ૩૩૨૨ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા જ્યારે ૧૮૨૨ શ્રદ્ધાળુઓ બાલતાલ બેઝકેમ્પ માટે રવાના થયા હતા. ભગવતીનગર યાત્રી નિવાસથી વહેલીપરોઢે ૨.૫૦ વાગે ૬૭ વાહનોમાં આ શ્રદ્ધાળુ રવાના થયા હતા. ૧૮૨૨ બાલતાલ જતા યાત્રીઓ છે જ્યારે બીજા ૧૨૪ વાહનોમાં અન્ય યાત્રીઓ રવાના થયા હતા. એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ હજુ સુધી અમરનાથના દર્શન કરી ચુક્યા છે. ભારે વરસાદ. ખરાબ હવામાન અને છેલ્લે કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીની વરસીને ધ્યાનમાં લઇને સુરક્ષા કારણોસર અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૩ના મોત થયા છે. આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ભારે વરસાદ અને પ્રતિકુળ સંજોગો હાલમાં સર્જાયેલા છે.

(12:00 am IST)