મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ખેડૂતોના આંદોલનની અસર દેખાવવા લાગી : પુરવઠો ઠપ

પોલીસ સુરક્ષા હેઠળ ઘણી જગ્યાએ ચીજો વેચાઈઃ લોન માફી સહિતની માંગણીને લઇને ખેડૂતો લડાયક બન્યા

નવી દિલ્હી,તા. ૪: ખેડુતોના દસ દિવસના ગામડા બંધના આજે ચોથા દિવસે ઘણી જગ્યાએ જીવન જરૂરી ચીજવસ્તુઓની તંગી ઉભી થવાની શરૂઆત થઇ ગઇ હતી. શાકભાજી અને દૂધ જેવી જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો હવે ખુટી રહ્યો છે. આની અસર વધુ તીવ્ર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અછતને ટાળવાના પ્રયાસો થઇ રહ્યા હોવા છતાં સમસ્યા જટિલ બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ પોલીસ રક્ષણ હેઠળ શાકભાજી વેચવામાં આવી રહી છે. ચોથા દિવસે આજે જીવન જરૂરી ચીજવસ્તુઓની સેવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. પંજાબ, હરિયાણા સહિત જુદા જુદા રાજ્યોના મોટા શહેરોમાં દુધ અને શાકભાજીની કિંમતમાં વધુ તીવ્ર વધારો થયો હતો. મંડીઓમાં કૃષિ પેદાશોનો નવેસરનો પુરવઠો પહોંચી રહ્યો નથી. જેના પરિણામ સ્વરૂપે કિંમતો વધવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારના નિયમો સામેના વિરોધમાં શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહ્યા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા છે. ૧૦ દિવસના ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી. જેના ભાગરૂપે કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓના સામેના વિરોધમાં જુદા જુદા શહેરોમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, દુધ અને અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી ચુક્યા છે. જોકે કૃષિ પેદાશોની કિંમતો પર તરત અસરદેખાઈ નથી પરંતુ આજે કેટલાક શહેરોમાં છુટક શાકભાજીની કિંમતોમાં વધારો થયો હતો.

પ્રતિ કિલો ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. ચંદીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ ટામેટાની કિંમત વધીને ૨૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જે હાલમાં ૧૦ થી ૧૫ રૂપિયા હતી.  ખેડૂતોના આંદોલનના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. શાકભાજી અને દુધના પુરવઠાને પણ માઠી અસર થઇ રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે જેમાં ૧૬થી વધુ સંગઠનો ભાગ લઇ રહ્યા છે. લોન માફી અને પાકની પુરતી કિંમત માંગવામાં આવી રહી છે .

(10:18 pm IST)