મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

SBI, ICICI અને IDBI સહિત સહિત ૭ બેન્કો દ્વારા ૨૮,૦૦૦ કરોડમાં બેડ લોન વેચવાની પ્રક્રિયા શરૂ કરાઇ

મુંબઇઃ SBI સહિત ૭ બેન્‍કોઅે ૨૮,૦૦૦ કરોડમાં બેડ લોન વેચવાની પ્રક્રિયા હાથ ધરી છે.

ઘણી બેન્કો બેન્કરપ્સી કોર્ટના રિઝોલ્યુશનની રાહ જોયા વગર આગામી સપ્તાહે બેડ લોન પોર્ટફોલિયોનો અમુક હિસ્સો એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને વેચવાની તૈયારી કરી રહી છે. SBI, ICICI બેન્ક અને IDBI બેન્ક સહિતની સાત બેન્ક લગભગ રૂપિયા 28,000 કરોડમાં બેડ લોન વેચવાની પ્રક્રિયામાં છે.

SBI અને ICICI બેન્કે વેચાણ માટે તારવેલી એસેટ્સની યાદી જાહેર કરી છે. જ્યારે અન્ય બેન્કો આ પ્રક્રિયાના આખરી તબક્કામાં છે. સૌથી મોટો હિસ્સો IDBI બેન્કનો છે. બેન્કે રૂપિયા 21,399 કરોડનું લેણું ધરાવતાં 30 એકાઉન્ટ અલગ તારવ્યાં છે.

IDBI બેન્ક લોન બૂકના 28 ટકા જેટલી બેડ લોન ધરાવે છે, જે બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધુ છે. અન્ય બેન્કોમાં SBI રૂપિયા 1,325 કરોડમાં 12 એકાઉન્ટ વેચવાની યોજના ધરાવે છે. ICICI બેન્ક રૂપિયા 2,330 કરોડનું લેણું ધરાવતાં 16 એકાઉન્ટ વેચવા સક્રિય છે.

અગાઉ મોટા ભાગની બેન્કોએ નાણાકીય વર્ષના છેલ્લાં બે ક્વાર્ટરમાં બેડ લોન વેચવાનું પસંદ કર્યું હતું. જોકે, આ ટ્રેન્ડ બદલાયો છે અને બેન્કો હવે પ્રથમ ક્વાર્ટરમાં જ બેડ લોન વેચવાની તૈયારી કરી રહી છે. બેડ લોનનો કુલ આંકડો રૂપિયા 10 લાખ કરોડને વટાવી ગયો છે. જેમાં PSU બેન્કોની લોન રૂપિયા 8.9 લાખ કરોડ છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં લોન બુકનો મોટા ભાગનો હિસ્સો બેડ લોનમાં ફેરવાયો છે. જ્યારે નવી લોનની માંગ ઘણા નીચા સ્તરે છે. તેને લીધે કુલ લોનના પ્રમાણમાં બેડ લોનનો હિસ્સો વધી રહ્યો છે. બેન્કરપ્સી કોડ હેઠળ નિશ્ચિત સમયમાં રિઝોલ્યુશન પ્રક્રિયા પૂરી નહીં થતી હોવાના કારણે બેન્કો નિરાશ છે.

એસ્સાર સ્ટીલ, ભૂષણ પાવર અને બિનાની સિમેન્ટ જેવા કેસમાં ટ્રિબ્યુનલ્સે 270 દિવસની મુદતમાં એક કે બે મહિનાનો વધારો કર્યો છે. કાયદા પ્રમાણે રિઝોલ્યુશન પ્રક્રિયા 270 દિવસમાં પૂરી કરવી જરૂરી છે અને એવું ન થાય તો કંપનીની એસેટ્સનું વેચાણ કરી નાણાં મેળવવાનાં હોય છે. જોકે, બિડર્સમાં કાનૂની ગૂંચવણના કારણે ઘણા કેસના રિઝોલ્યુશનમાં વિલંબ થયો છે. તેને લીધે બેન્કોને વૈકલ્પિક સોલ્યુશન શોધવાની ફરજ પડી છે.

ઉપરાંત, ICICI બેન્ક અને SBI જેવી મોટા ભાગની અગ્રણી બેન્કો બેડ લોનનો હિસ્સો છ ટકાની નીચે રાખવા માંગે છે. કારણ કે એવું ન થાય તો આ બેન્કો પણ RBIના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) હેઠળ આવી શકે.

SBI જે સૌથી મોટું એકાઉન્ટ વેચવા માંગે છે તેમાં અંકિત મેટલ એન્ડ પાવરનો સમાવેશ થાય છે. કંપની પાસે બેન્કનું લેણું રૂપિયા 690 કરોડ અને બેન્કે તેની રિઝર્વ પ્રાઇસ રૂપિયા 155 કરોડ રાખી છે. IDBI બેન્કે હજુ વેચાણ માટેનાં એકાઉન્ટ્સની યાદી તૈયાર કરી નથી.

(6:10 pm IST)