મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૨૧૫ પોઇન્ટ ઘટી બંધ રહ્યો

સેંસેક્સ કારોબારના અંતે ૩૫૦૧૨ની સપાટીએ : નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો, રિયાલીટીના શેરોમાં અફડાતફડી : કારોબારીઓ નિરાશ

મુંબઇ,તા. ૪ : શેરજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૧૫ પોઇન્ટ ઘટીને ૩૫૦૧૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૬૨૮ની નીચી સપાટીએ રહ્યો હતો. એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. તેમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. રિયાલીટીના શેરમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો રહ્યો હતો. એચડીઆઈએલ, ઇન્ડિયા બુલ્સ, બ્રિગેડ એન્ટરપ્રાઇઝના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ મે મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટમાંથી ૨૯૭.૧૪ અબજ રૂપિયા પાછા ખેંચી લીધા છે. એશિયન બજારમાં આજે તેજી રહી હતી અને બે સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. આરબીઆઈ વ્યાજદરમાં વધારો કરે છે કે કેમ તેના ઉપર પણ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારોબારી હાલમાં દિશાહિન થયેલા છે. આરબીઆઇની પોલીસી સમીક્ષા અને મોનુસનની પ્રગતિ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.  આરબીઆઈની પોલિસી સમીક્ષા ઉપર પણ તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. જેના પરિણામ બુધવારના દિવસે જાહેર કરવામાં આવનાર છે. રોકાણકારો મોનસુનને ખુબ મહત્વપૂર્ણ ગણી રહ્યા છે. આઈએમડીએ આગાહી કરી છે કે,આ વખતે સતત ત્રીજી વાર નોર્મલ મોનસુનની સિઝન રહેશે. આવતીકાલે મંગળવારના દિવસે મે મહિનામાં સર્વિસ સેક્ટરના પરફોર્મન્સના માસિક સર્વેના આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવનાર છે. નવા ઓર્ડરમાં ગ્રોથના આંકડા પણ જારી થશે. વૈશ્વિક પરિબળોની વાત કરવામાં આવે તો યુએસ જોબ ડેટાનો સમાવેશ થાય છે. અમેરિકી અર્થતંત્રમાં મે મહિનામાં મજબૂત ગતિથી નવા જોબ ઉમેરવામાં આવ્યા છે. નોન ફાર્મ પેરોલમાં ૨૨૩૦૦૦નો વધારો થયો છે. બેરોજગારીનો દર ઘટીને ૩.૮ ટકા થયો છે જે ૧૮ વર્ષની નીચી સપાટી છે. મૂડીરોકાણકારો જી-૭ની બેઠક ઉપર પણ નજર રાખી રહ્યા છે જેમાં કેનેડા અને ફ્રાંસની મિટિંગ થનાર છે. આ બેઠકમાં આયાત ટેરિફને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. શેરબજારમાં શુક્રવારે ફરી એકવાર  મંદીનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા શુક્રવારે સેંસેક્સ ૯૫ પોઇન્ટ ઘટીને ૩૫૨૨૭ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૪૦ પોઇન્ટ ઘટીને ૧૦૬૯૬ની નીચી સપાટીએ રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા ગયા ગુરૂવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયો હતો.

(7:17 pm IST)