મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ગ્વાતેમાલાના ફયુગો જ્વાળામુખીમાં બ્લાસ્ટઃ ૨૫નાં મોતઃ ૩ હજારનું સ્થળાંતર

અલ રેડિયો ગામ ખતમઃ અલોતેનાંગો અને ફોન મિગુએલ ગામ પણ તબાહ : અગાઉ ૧૯૭૪માં થયો હતો જ્વાળામુખીમાં જોરદાર બ્લાસ્ટ

અમેરિકાના ગ્વાતેમાલામાં ફ્યૂગો જવાળામુખીમાં થયેલા વિસ્ફોટથી ૨૫ લોકોનાં મોત થયા છે. ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જવાળામુખીના કારણે રાખ અને લાવાના બ્લાસ્ટ્ થઇ રહ્યા છે. ઓફિસરોનું કહેવું છે કે, ૧૯૭૪ બાદ રવિવારે ફ્યૂગોમાં એટલો જોરદાર બ્લાસ્ટ થયો છે. બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. પ્રેસિડન્ટ જિમી મોરાલેસ હાલ વિદેશ વિભાગ સાથે મીટિંગ કરી રહ્યા છે. દેશમાં ઇમરજન્સી લાગુ કરવા અંગે પણ વિચારવિમર્શ ચાલી રહ્યા છે.

ફ્યૂગોનો અર્થ થાય છે - આગનો જવાળામુખી, આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો લાવા અને રાખ ૮ કિમી સુધીના હિસ્સામાં ફેલાઇ હતી. ફ્યૂગોમાં આ વર્ષે બીજો મોટો વિસ્ફોટ થયો છે. ગ્વાતેમાલાના કોનરાડ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના મહાસચિવ સર્જિયો કબાનાસના જણાવ્યા અનુસાર, જવાળામુખીમાં વિસ્ફોટ બાદથી લાવાની એક નદી વહી રહી છે. આનાથી અલ રોડિયો નામના ગામ પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. લોકો બળી ગયા છે અને તેઓના મોત થયા છે. હાલ ૨૫ લોકોનાં મોત થયાના સમાચાર છે, પરંતુ આ આંકડો વધી પણ શકે છે. આ વિસ્તારથી ૩ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ઓફિસરોના જણાવ્યા અનુસાર, ત્રણ સ્થળો અલ રોડિયો, અલોતેનાંગો અને સેન મિગુએલમાં સૌથી વધુ લોકોનાં મોત થયા છે. લોકલ ન્યૂઝ ચેનલમાં દર્શાવવામાં આવેલા એક વીડિયો અનુસાર, એલ રોડિયોમાં ૩ શબ ખરાબ રીતે બળેલી હાલતમાં મળી આવ્યા છે.

કનાબાસનું કહેવું છે કે, અલ રોડિયો ગામ તો ખતમ જ થઇ ગયું છે. લાવાના કારણે અમારાં બચાવકર્મી બીજાં ગામ અથવા લિબરતાદ સુધી નથી પહોંચી શકયા. ત્યાં પણ ૩ લોકોનાં મોત થયાના સમાચાર છે. એક અન્ય વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, રાખથી લથપથ એક મહિલાએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો. મહિલાના જણાવ્યા અનુસાર, મકાઇના ખેતરોમાંથી લાવા ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોન્સુએલો હર્નાડેઝ નામના એક વ્યકિતએ જણાવ્યું કે, જવાળામુખીની નજીક આવેલા ગામોમાંથી કોઇ ભાગી નથી શકયુ. મને લાગે છે કે, તમામ લોકો ત્યાં જ દફન થઇ ગયા છે.

(4:22 pm IST)