મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

કેન્દ્રીય કેબીનેટનું વિસ્તરણ ઢુંકડુઃ નારાજ સાથીઓને મનાવવા પ્રયાસ

મિશન-૨૦૧૯ને ધ્યાનમાં રાખીને મોદી ચોથુ વિસ્તરણ કરવાની તૈયારીમાં: હાલ મંત્રી મંડળમાં ૭૬ સભ્યો છેઃ ૮૨ સુધી આંકડો લઈ જઈ શકાય તેમ છેઃ પેટાચૂંટણીના પરિણામો બાદ હવે મંત્રી મંડળનું વિસ્તરણ અનિવાર્ય બની ગયુ છેઃ નારાજ સાથીઓને રાજી કરી એનડીએને એક જુથ અને મજબુત કરવા કવાયત

નવી દિલ્હી, તા. ૪ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પોતાના મંત્રી મંડળનું ચોથુ અને અંતિમ વિસ્તર કરી શકે છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાજ્યોના સીયાસી સમીકરણ અને સાથીઓને રાજી કરવા માટે ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણાનો દોર શરૂ થયો છે. આ બારામાં સાથી પક્ષો સાથે વાતચીત પણ શરૂ કરવામાં આવી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્ણાટકની ચૂંટણીના પરિણામો બાદ મિશન ૨૦૧૯ની તૈયારી માટે મંત્રી મંડળનું વિસ્તરણ કરવા નવેસરથી વિચારણા થઈ છે.

પક્ષ અને સરકારના ટોચ નેતૃત્વમા આને લઈને આમ સહમતી છે. આ ક્રમમાં સાથીઓ સાથે સંવાદ અને વિવિધ રાજ્યોના રાજકીય સમીકરણો ઉપર મંથન કરવાની યોજના બનાવવામાં આવી છે. આમ પણ ત્રીજા વિસ્તરણમાં એનડીએમાં સામેલ જેડીયુને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ નહી આપીને પીએમ એ એક વધુ વિસ્તરણનો વિકલ્પ ખૂલ્લો રાખ્યો હતો.

ગત સપ્ટેમ્બરમાં કેબીનેટના વિસ્તરણમાં જેડીયુને સ્થાન નહોતુ અપાયું અને સહમતી ન બનવાને કારણે શિવસેનાની હિસ્સેદારી પણ વધારવામાં આવી ન હતી તે દરમિયાન અન્ના ડીએમકેને પણ સામેલ કરવા ચર્ચા થઈ હતી પણ નિર્ણય લેવાયો ન હતો. હવે સંભવિત વિસ્તરણમાં એનડીએના નવા સાથીઓને પ્રતિનિધિત્વ આપવા અને નારાજ સાથીઓને રાજી કરવા પ્રયાસ કરાશે.

રાજ્ય અને કેન્દ્રના રાજકીય પણ સમીકરણો પણ બદલાયા છે. વિપક્ષ ભાજપ વિરૂદ્ધ રાજ્યોમાં મહાગઠબંધન બનાવવામાં લાગ્યુ છે તો બીજી તરફ એનડીએમા પણ ખટપટ શરૂ થઈ છે. ટીડીપી દૂર ચાલ્યુ ગયુ છે તો શિવસેના પણ આડુ ચાલી રહ્યુ છે. પેટાચૂંટણીના પરિણામો બાદ સાથી પક્ષો પણ ધોકા પછાડવા લાગ્યા છે તેવામાં ભાજપ મંત્રી મંડળનું વિસ્તરણ કરી નારાજ સાથીઓને સાધી એનડીએને એકજુથ અને મજબુત કરવા ઉપરાંત મહત્વના રાજ્યોમાં સોશ્યલ એન્જીનીયરીંગ દુરસ્ત કરવા માંગે છે.

આ પહેલા ૯ નવેમ્બર ૨૦૧૪, ૫ જુલાઈ ૨૦૧૬ અને ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ વિસ્તરણ થયુ હતું. હાલ મંત્રી મંડળમાં ૭૬ સભ્યો છે. આ આંકડો ૮૨ સુધી લઈ જઈ શકાય તેમ છે.(૨-૨)

(11:36 am IST)