મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

બરોડા બેંક, સેન્ટ્રલ બેંક, ઓબીસી, આઈડીબીઆઈના મર્જરના ઢોલ વાગ્યા

સરકાર હસ્તકની બેંકોના મર્જરની કવાયત શરૃઃ આ ચાર બેંકોને એકબીજામાં ભેળવી સ્ટેટ બેંક બાદ બીજી સૌથી મોટી બેંક બનાવવા તૈયારીઃ ૩૧ માર્ચના રોજ આ ચારેય બેંકોની સંયુકત ખોટ રૂ. ૩૧૬૪૬.૩૮ કરોડ થઈ છેઃ બેડ લોન વધતા બેંકો ખોટના ખાડામાં: હવે સરકાર ઈલાજ કરવા માગે છે

નવી દિલ્હી, તા. ૪ :. સરકાર હસ્તકની બેંકોની માઠી થઈ રહી છે. પંજાબ નેશનલ બેંકના કૌભાંડ બાદ બેંકોના માઠા દિવસો શરૂ થઈ ગયા છે. એનપીએ ચિંતાજનક સ્તરે પહોંચી જતા અનેક બેંકોની જંગી ખોટ બહાર આવી છે. આ સંજોગોમાં હવે બેંકોના મર્જરની કવાયત જોરશોરથી શરૂ કરવામાં આવી છે. સરકારે આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા અને ઓરીયેન્ટલ બેંક ઓફ કોમર્સના મર્જરની તૈયારી શરૂ કરી હોવાનું આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા બે લોકોએ જણાવ્યુ છે.

જો બધુ સમુનમુ પાર પડયુ તો આ ચાર બેંકોના મર્જર બાદ આ સૂચીત બેંક દેશની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા પછીની બીજી સૌથી મોટી બેંક બનશે અને તેઓની સંયુકત અસ્કયામત રૂ. ૧૬.૫૮ ટ્રીલીયન થઈ જશે. સરકાર હસ્તકની બેંકોના મર્જરની સાથે સરકાર એવી આશા રાખે છે મર્જરથી બેડલોન કે જે વધી ગઈ છે તેમા મદદ મળશે. મર્જરને કારણે નબળી બેંક પોતાની મિલ્કતો વેચી શકશે અને ખોટ કરતી બ્રાંચો પણ બંધ કરી શકશે.

૩૧ માર્ચના અંતે આ ચાર બેંકોની સંયુકત ખોટ રૂ. ૨૧૬૪૬.૩૮ કરોડ નોંધવામાં આવી હતી. આ જંગી ખોટ બાદ જ આ ચાર બેંકોના મર્જરની દરખાસ્ત સામે આવી છે. જો કે આ ચારેય બેંકોએ કશો ફોડ પાડયો નથી.

સરકાર રીઝર્વ બેંકની વાત સાથે પણ સંમત છે. એપ્રિલ ૨૦૧૭માં આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલે કહ્યુ હતુ કે, ભારતીય બેન્કીંગ સિસ્ટમનો હવે ઈલાજ અનિવાર્ય બની ગયો છે. મર્જર બાબતે સરકારી સૂત્રો પણ કશુ કહેવા માગતા નથી. એટલુ જ કહે છે કે મામલો અત્યંત સંવેદનશીલ છે.(૨-

(11:31 am IST)