મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

મ્યુ. ફંડના એકિઝટ લોડ ચાર્જ પર પણ GST લાગશે

બેંકીંગ, ઇશ્યોરન્સ અને મૂડીબજારો સહિતના ફાઇનાન્શિયલ સર્વિસિસ : સેકટર માટે કેટલાક ટેકસ સંબંધિત પ્રશ્નો અંગે સરકારે વિગતવાર સ્પષ્ટતા કરી

નવી દિલ્હી તા. ૪ : મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા વસૂલવામાં આવતાં એકિઝટ લોડ ચાર્જ, લોનના હપતામાં ડિફોલ્ટ થવા બદલ લાગતા વધારાના વ્યાજનો ચાર્જ અને ક્રેડિટ કાર્ડ કંપની દ્વારા લગાડવામાં આવતા લેટ પેમેન્ટ ચાર્જ પર GST લાગશે એમ સરકારે જણાવ્યું છે. કોમોડિટીઝમાં સિકયોરિટાઇઝેશન, ફયુચર કોન્ટ્રાકટ્સ, ડેરિવેટિવ્સ અને ફોરવર્ડ કોન્ટ્રાકટ્સમાં જો કોમોડિટીની વાસ્તવિક ડિલિવરી લીધી હશે તો આ ટેકસ નહીં લાગે.

બેન્કિંગ, ઇન્શ્યોરન્સ અને મૂડીબજારો સહિતનાં ફાઇનાન્શિયલ સર્વિસિસ સેકટર માટે કેટલાક ટેકસ સંબંધિત પ્રશ્નો અંગે સરકારે વિગતવાર સ્પષ્ટતા કરી છે. બેન્કો માટે ATMsને પ્લેસ ઓફ બિઝનેસ ગણવામાં નહીં આવે એટલે તેના માટે GSTમાં નોંધણી કરાવવી નહીં પડે.

જો મલ્ટિપલ બ્રાન્ચિસ દ્વારા ગ્રાહકોને સર્વિસિસ આપવામાં આવતી હશે તો જે બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય તેણે GST ભરવો પડશે અને અન્ય બ્રાન્ચિસ મુખ્ય બ્રાન્ચને સર્વિસ પૂરી પાડતી હોવાનું ગણવામાં આવશે. સોનાની આયાતના કિસ્સામાં એક વાર આયાત વખતે ઇન્ટિગ્રેટેડ GST (I-GST) લાગશે.

બેન્કો દ્વારા RBIને આપવામાં આવતી સર્વિસિસ ટેકસેબલ ગણાશે કારણ કે આવી એક પણ સર્વિસને GSTના એકઝેમ્પ્શન લિસ્ટમાં રાખવામાં આવી નથી. જોકે, રેપો રેટ કે રિવર્સ રેપો રેટને GSTમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

'ઉદ્યોગજગત દ્વારા જે પ્રશ્નો અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી તે અંગે સરકાર તરફથી આ ખૂબ જ સમાવેશક જવાબો અને ખુલાસા આપવામાં આવ્યા છે. GSTના સંદર્ભમાં ફાઇનાન્શિયલ સર્વિસિસ સેકટરને ખૂબ જ જટિલ ગણવામાં આવે છે ત્યારે આ સ્પષ્ટતાઓ ઘણી મહત્ત્વની છે.' એમ PwCના ઈનડાયરેકટ ટેકસ લીડર પ્રતીક જૈને જણાવ્યું હતું.

સરકારે જણાવ્યું છે કે, બેન્કો મહિનાના અંતે ગ્રાહકોને કોન્સોલિડેટેડ સ્ટેટમેન્ટ અથવા ઈનવોઇસ ઇશ્યૂ કરી શકે છે, જેમાં વિવિધ ચાર્જની તમામ વિગતો જણાવવાની રહેશે.

બિન-રહેવાસીઓને ઇશ્યૂ કરવામાં આવતી ઇન્શ્યોરન્સ પોલિસી પર GST લાગશે. આ કિસ્સામાં નોન-રેસિડન્ટ એકાઉન્ટ્સમાંથી ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરવામાં આવે છે એટલે તે ટેકસેબલ છે એવી સ્પષ્ટતા સરકારે કરી છે.

'આવકના વિવિધ સ્રેતો, સપ્લાયના સ્થળ, કોણે નોંધણી કરાવવી અને કોણે નહીં, વિવિધ ડોકયુમેન્ટ્સના પ્રકારો વગેરે જેવા પ્રશ્નો હતા. તે અંગે સરકારે ટેકસેબિલિટીની સ્પષ્ટતા કરી હોવાથી બેન્કિંગ ઉદ્યોગને તેની વિવિધ સર્વિસિસ અંગે ગ્રાહકો પાસેથી ટેકસ વસૂલવામાં સરળતા પડશે અને પરિણામે ઉદ્યોગમાં સ્ટાન્ડર્ડ પ્રેકિટસિસનું ચલણ વધશે.' એમ KPMGના ઈનડાયરેકટ ટેકિસસના પાર્ટનર હરપ્રીત સિંઘે જણાવ્યું હતું.(૨૧.૧૪)

 

(11:30 am IST)