મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

બિહાર માટે ખાસ રાજ્યના દરજ્જાની ફરીથી માંગ થઇ

રામવિલાસ પાસવાન દ્વારા પણ રજૂઆત કરાઈ : ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે રામવિલાસ પાસવાનની જુદા જુદા વિષય પર ચર્ચા : ખાતરી મળ્યાનો દાવો કર્યો

નવીદિલ્હી, તા. ૩ : બિહારને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને મુખ્યમંત્રી નીતિશકુમારે મુદ્દો ઉઠાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. પાસવાને આ સંબંધમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે પણ વાતચીત કરી છે. અમિત શાહ સાથે વાતચીત કર્યા બાદ રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, બિહાર એક પછાત રાજ્ય છે જેના આધારે ખાસ દરજ્જો આપવામાં આવે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર અમારી રજૂઆત સાંભળે તે જરૂરી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે કયા મુદ્દા ઉપર ચર્ચા થઇ તે અંગે પૂછવામાં આવતા પાસવાને કહ્યું હતું કે, તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને એસસી-એસટી એક્ટને લઇને ચર્ચા થઇ હતી. સરકાર સમીક્ષા અરજી દાખલ કરી ચુકી છે. કોર્ટ હાલમાં બંધ છે જેથી વટહુકમ લાવવાની વાત કરી છે. અમિત શાહે પણ વહેલી તકે વટહુકમ લાવવાની ખાતરી આપી છે. ગયા મંગળવારના દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બિહારને ખાસ રાજ્યનો દરજ્જો મળે તેની અમારી માંગ છે. કેન્દ્ર સરકારે આ દિશામાં પગલા લેવા જોઇએ.

નીતિશકુમારે મંગળવારે બ્લોગ લખીને બિહારને કયા કારણોસર સ્પેશિયલ સ્ટેટસ આપી શકાય છે તે અંગે કારણોનો ઉલ્લેખ કર્યો હતો. તે પહેલા નીતિશકુમારે બિહારને પુર રાહત પર મળેલી સહાયતામાં કાપને લઇને પણ નારાજગી વ્યક્ત કરી હતી. નોટબંધીના અપેક્ષિત પરિણામ ન મળવાને લઇને પણ નીતિશે વાત કરી હતી.

(12:00 am IST)