મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ખેડૂત આંદોલન ત્રીજા દિવસે જારી : કિંમતો આસમાન પર

શાકભાજી, દૂધ પુરવઠો હવે ખોરવાઈ રહ્યો છે : લોન માફી અને પાક માટે યોગ્ય કિંમતની માંગણીને લઇને ખેડૂતો આંદોલન ઉપર : સુત્રોચ્ચાર અને દેખાવો અકબંધ

નવી દિલ્હી,તા. ૩ : ખેડુતોના દસ દિવસના ગામડા બંધના આજે ત્રીજા દિવસે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. શાકભાજી અને દુધના પુરવઠાને પણ માઠી અસર થઇ રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે જેમાં ૧૬થી વધુ સંગઠનો ભાગ લઇ રહ્યા છે. લોન માફી અને પાકની પુરતી કિંમત માંગવામાં આવી રહી છે . આજે પણ દેશના જુદા જુદા ભાગોમાં ખેડૂતો સુત્રોચ્ચાર કરતા અને શેરીમાં શાકભાજી ફેંકતા નજરે પડ્યા હતા. બીજી બાજુ કેટલીક જગ્યાએ પોલીસ રક્ષણ હેઠળ શાકભાજી વેચવામાં આવી રહી છે. ત્રીજા દિવસે આજે જીવન જરૂરી ચીજવસ્તુઓની સેવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. પંજાબ, હરિયાણા સહિત જુદા જુદા રાજ્યોના મોટા શહેરોમાં દુધ અને શાકભાજીની કિંમતમાં વધુ તીવ્ર વધારો થયો હતો. મંડીઓમાં કૃષિ પેદાશોનો નવેસરનો પુરવઠો પહોંચી રહ્યો નથી. જેના પરિણામ સ્વરૂપે કિંમતો વધવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારના નિયમો સામેના વિરોધમાં શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહ્યા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા છે. ૧૦ દિવસના ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી. જેના ભાગરૂપે કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓના સામેના વિરોધમાં જુદા જુદા શહેરોમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, દુધ અને અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી ચુક્યા છે. જોકે કૃષિ પેદાશોની કિંમતો પર તરત અસરદેખાઈ નથી પરંતુ આજે કેટલાક શહેરોમાં છુટક શાકભાજીની કિંમતોમાં વધારો થયો હતો. પ્રતિ કિલો ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. ચંદીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ ટામેટાની કિંમત વધીને ૨૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જે હાલમાં ૧૦ થી ૧૫ રૂપિયા હતી. આવી જ રીતે બટાકા, અન્ય ચીજવસ્તુઓની છુટક કિંમતો પણ આસમાને પહોંચી છે. પંજાબના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. પહેલી જૂનથી લઈને ૧૦મી જૂન સુધી સપ્લાયને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન એકતા મંચ અને રાષ્ટ્રીય કિસાન મહાસંઘના બેનર હેઠળ ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચીજવસ્તુઓ ખેડુતોના ગામડા બંધના કારણે હવે વધારે મોંઘી થઇ રહી છે. ખેડુતોના બંધના કારણે શાકભાજી અને દુધનો પુરવઠો ખોરવાઇ ગયો છે. મોટા માર્કેટ સુધી જથ્થો પહોંચી રહ્યો નથી. જેથી અસર દેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. દેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિવસના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ હવે આગામીદિવસોમાં તેની સીધી અસર લોકોમાં દેખાય તેવી વકી છે.  આ આંદોલન સ્વૈચ્છિક છે. તેમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા નથી. માત્ર ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહ્યા નથી. જે લોકોને શાકભાજી, દૂધની જરૂર છે તે લોકોને ગામડામાં આવવું પડશે. ખેડૂતો મુખ્યરીતે  વિરોધ નોંધાવીને શાકભાજી રસ્તા પર ફેંકી દેતા, દૂધ જાહેર રસ્તા પર ઢોળી દેતા નજરે પડ્યા હતા. સરકારની નીતિઓ સામેના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે,  પુરતા નાણા લોકોને મળી રહ્યા નથી. ખેડૂતોને તેમની પેદાશના પુરતા નાણા મળી રહ્યા નથી. ખેડૂતોની સાથે સાથે જુદા જુદા કારોબાર સાથે જોડાયેલા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આંદોલનની રાહ છોડી દેવા માટે અપીલ કરી હતી. જો કે, આની અસર દેખાઈ નથી. દુધ અને શાકભાજીનું સંકટ તોળાઈ રહ્યું છે.  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો મુજબ પહેલીથી લઇને હવે ૧૦મી સુધી ગામથી કોઇપણ સામગ્રી શહેરમાં પહોંચશે નહીં. દૂધ, ફળફળાદી, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓને લઇને પણ શહેરના લોકોને અડચણો થઇ શકે છે. દૂધ, ફળફળાદીને ગામમાં જ વેચવામાં આવશે. આંદોલનના ભાગરુપે છઠ્ઠી જૂનના દિવસે શહીદ દિવસ, આઠમી જૂનના અસહયોગ  દિવસ અને ૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવામાં આવશે. ખેડૂતોની માંગણી છે કે તેમને જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ નાણા મળવા જોઇએ. મધ્યપ્રદેશમાં થોડાક સમય પહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેને લઇને પણ વિરોધ પ્રદર્શન જારી છે.

(12:00 am IST)