મુખ્ય સમાચાર
News of Monday, 16th April 2018

પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓને શીખ તીર્થયાત્રીઓને મળતા અટકાવતા વિદેશ મંત્રાલયે વિરોધ નોંધાવ્યો

વૈશાખીએ 1800 યાત્રીઓ રાવલપિંડીના ગુરુદ્વારા પંજા સાહિબ ગયા હતા :કાઉન્સીલરોને મળતા અટકાવતા નારાજગી

પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓને સિખ તીર્થયાત્રીઓને મળવા પર પ્રતિબંધ લગાવ્યો છે આ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, ભારતીય રાજદ્વારીઓને ભારત આવનારા સિખ તીર્થ યાત્રીઓને તીર્થ સ્થળ પર જવા અને તેમની સાથે સંપર્કમાં રહેવાની છુટ હોય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. કાઉંસિલર અને પ્રોટોકોલ સાથે સંકળાયેલા દાયિત્વના નિર્વહન માટે ભારતીય દૂતાવાસના અધિકારીઓને આ છુટ આપવામાં આવતી હોય છે. આ છૂટનો ઉદ્દેશ્ય મેડિકલ ઈમરજન્સી કે તેવી કોઈ અન્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં એક-બીજાની મદદ કરવાનો છે.

   ભારતના 1800 સિખ યાત્રીઓ ગુરૂવારે પાકિસ્તાન ગયાં હતાં. તીર્થયાત્રીઓ બૈસાખીનો તહેવાર ઉજવવા માટે રાવલપિંડીના ગુરૂદ્વારા પંજા સાહિબ ગયાં હતાં, જેને સિખ ધર્મનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ધાર્મિક યાત્રાએ આવેલા સિખ યાત્રીઓને પાકિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદ્વારીઓ મળતા હોય છે. પરંતુ આ વખતે ભારતીય કાઉંસલરોને પાકિસ્તાનમાં સિખ યાત્રીઓને મળતા અટકાવવામાં આવ્યાં હતાં અને તેમને જરૂરી પ્રોટોકોલ ડ્યૂટી પણ બજાવવા દેવામાં આવી ન હતી. જેને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચેનો રાજદ્વારી ખટરાગ વધુ એકવાર સપાટી પર આવ્યો છે.

   વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુંસાર, ભારતીય ટીમ સિખ મુસાફરોને વાઘા રેલવે સ્ટેશન પર 12 એપ્રિલે પહોંચ્યા બાદ પણ મળી શક્યા ન હતાં. 14 એપ્રિલને ભારતીય મુસાફરો સાથે પાકિસ્તાનમાં રહેવા ભારતીય રાજદ્વારીઓ અને દૂતાવાસના અધિકારીઓની મીટિંગ નિર્ધારીત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ક્ષણોમાં પાકિસ્તાને આસ મીટિંગ થવા દીધી ન હતી.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આ નિવેદનમાં પણ કહ્યું હતું કે, ભારતીય રાજદ્વરી અજય બિસેરિયાની ગાડી જ્યારે ગુરૂદ્વારા તરફ જઈ રહી હતી તે દરમિયાન અધવચ્ચે જ સુરક્ષાનો હવાલો આપી પરત મોકલી દેવામાં આવ્યાં હતાં.

   આ મામલે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ભારત તરફથી આપવામાં આવેલા નિવેદનમાં પહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓ સાથે અત્યંત ખરાબ વ્યવહાર કર્યો છે. આ બાબત રાજદ્વારીઓ સાથે દૂર્વ્યવહારની શ્રેણીમાં આવે છે. પાકિસ્તાને વિયેના કન્વેક્શન 1961નું પણ ઉલ્લંઘન કર્યું છે.

(7:10 pm IST)