મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

જજ વિવાદ ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલે બનાવી 7 સભ્યોની કમિટી : કાલે સવારે મળશે ચારેય જજોને

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનન મિશ્રાએ આ ઘટનામાં સરકારે હસ્ત્ક્ષેપ ન કરવા માટે આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ દેશના ઈતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજો દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી CJI(ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) પર ગંભીર આરોપ લગાવ્યા છે. સીજેઆઈ અને સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ જજ વચ્ચેના વિવાદને ઉકેલવા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા આગળ આવ્યું છે. જેના માટે કાઉન્સિલે 7 સભ્યોની કમિટી બનાવી છે જે સુપ્રીમકોર્ટના જજની રજૂઆત મુદ્દે વાતચીત કરશે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ શનિવારે સાંજે 5 વાગ્યે એક મહત્વની બેઠક કરી હતી. બેઠક બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન મિશ્રાએ કહ્યું કે એક મતથી નિર્ણય કરવામાં આવ્યો છે કે 7 સભ્યોની એક કમિટી કાલે સુપ્રીમ કોર્ટના તમામ જજોને મળશે. જેના માટે જજ પાસેથી સમય લેવામાં આવી રહ્યો છે. રવિવારે સવારે 9 વાગ્યે કમિટી જજો સાથે વાતચીત શરૂ કરશે.

મિશ્રાએ કહ્યું કે અમે બાર કાઉન્સિલની ભાવનાઓની જજોને જાણ કરીશું અને તેમને આગ્રહ કરીશું કે સમગ્ર વિવાદને શાંતિપૂર્ણ અને જલદીથી પૂર્ણ કરવામાં આવે. મિશ્રાએ કહ્યું કે જ્યુડિશરી પર લોકોની અતૂટ આસ્થા છે…અમે કોઈ એવું કામ નહીં થવા દઈએ કે જેનાથી આઘાત લાગે.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનન મિશ્રાએ કહ્યું કે જ્યુડિશરી પર થઈ રહેલી રાજનીતિથી તેઓ દુખી છે. તેમણે કહ્યું કે જસ્ટિસ લોયાના મોતના મામલે રાજનીતિ થઈ રહી છે.

મિશ્રાએ કહ્યું કે, ‘પીએમ અને કાનૂન મંત્રીએ ગઈકાલે જ કહ્યું હતું કે આ ન્યાયપાલિકાનો અંગત મામલો છે અને તેઓ જ ઉકેલ લાવશે… સરકારના આ નિર્ણયનો બાર કાઉન્સિલ સ્વાગત કરે છે.’

(7:11 pm IST)