મુખ્ય સમાચાર
News of Saturday, 13th January 2018

મહારાષ્ટ્રના દહાણુના દરીયામાં વિદ્યાર્થીઓની બોટ ડૂબીઃ ચારના કરૂણ મોતઃ ૩૨ છાત્રોને બચાવાયા

પીકનીકમાં ગયેલા છાત્રોને નડયો અકસ્માતઃ કોસ્ટગાર્ડ સહિતનાની બચાવકામગીરી પૂરજોશમાં * ચારની શોધખોળ

પાલઘર,તા.૧૩ ગુજરાત અને મહારષ્ટ્રની સીમા પર આવેલ દહાણુંના દરિયામાં વિદ્યાર્થીઓને લઈ જતી બોટ પલટી મારી જતા ૪ વિદ્યાર્થીના મોતના અહેવાલ હાલ સાંપડી રહ્યા છે. જયારે ૩૨ વિદ્યાર્થીને બચાવી લેવાયા છે. અન્ય વિદ્યાર્થીઓના બચાવ માટે રાહત કાર્ય યુદ્ઘ ધોરણે શરુ કરી દેવામાં આવ્યું છે. ૩૨ વિદ્યાર્થીઓનો બચાવ થયો છે.

દહાણુંની બાબુભાઈ જુનિયર કોલેજના વિદ્યાર્થીઓ દહાણુંની ખાડીમાં ફેરી બોટમાં બેસીને સમુદ્રમાં ફરવા માટે ગયા હતા. વિદ્યાર્થીઓ કિનારેથી ૨ નોટિકલ માઇલ દૂર પહોંચ્યા હતાને અચાનક જ બોટ ડૂબવાનું શરુ થયું હતું. જેના કારણે વિદ્યાર્થીઓએ બચાવો બચાવોની બૂમરાણ કરી મૂકી હતી. ૩/૫ સ્થાનીક માછીમારોએ કરી બચાવકાર્યની તાત્કાલીક શરુઆત.

અવાજ સાંભળી આસપાસ રહેલી માછીમારોની બે બોટ તત્કાલીક બચાવ માટે આગળ આવી હતી. આ ઉપરાંત દરિયા કિનારે રહેલા લાઇફગાર્ડ પણ બચાવકાર્ય માટે દોડી આવ્યા હતા. લગભગ અડધો કલાકની જેહમત બાદ બોટમાં સવાર ૪૦ વિદ્યાર્થીઓ પૈકી ૩૨નો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જયારે ૪ વિદ્યાર્થીના મોત થયાના અહેવાલ છે. તો અન્ય ચારની હજુ શોધખોળ ચાલું છે.

બોટ ડુબવાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ દરિયા કિનારે ધસી આવ્યા છે જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો ગૂમ થયેલા વિદ્યાર્થીઓને શોધવા માટે અને તેમનું બોડી સમુદ્ર પ્રવાહમાં આગળ ન વહી જાય તે માટે માછીમારોએ જાળ બિછાવી છે.

બીજીબાજુ ઘટનાની જાણ થતા દહાણું કોસ્ટગાર્ડ અને મુંબઈ કોસ્ટગાર્ડ દ્વારા યુદ્ઘના ધોરણે બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. તેમજ કોસ્ટગાર્ડનું ડોનિયર પ્લેન પણ ઘટનાસ્થળે મદદ માટે પહોંચી ગયું છે.(૩૦.૯)

(3:56 pm IST)