મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

દિલ્હીની આસપાસ પરાળી બાળવાથી જ વાયુ પ્રદૂષણ વધ્યું હોવાનું નાસાનું અવલોકન

દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણે હદ વટાવી છે, રાજકિય આક્ષેપબાજી વચ્ચે કાનુની મુદ્વો પણ બન્યો

નવી દિલ્હી : દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણે હદ વટાવી છે, રાજકિય આક્ષેપબાજી વચ્ચે કાનુની મુદ્વો પણ બન્યો છે ત્યારે અમેરિકાની અંતરિક્ષ એજન્સીએ તાજેતરના એક સ્ટડીમાં વધતા જતા પ્રદૂષણ માટે દિલ્હી આસપાસના વિસ્તારોમાં ખેડૂતો ખેતરમાં પરાળી બાળે છે તેને વધારે જવાબદાર ગણ્યું છે. આમ તો દિલ્હીમાં શિયાળાની શરુઆત થાય ત્યારે વર્ષોથી પ્રદૂષણની સમસ્યા રહે છે પરંતુ આ વખતે દિવાળી પર ફટાકડા અને વાહનોને વાયુ પ્રદૂષણ માટે જવાબદાર ગણવામાં આવતું હતું, પરાળીની દિલ્હીના પ્રદૂષણ પર ખાસ અસર નહી હોવાનું સમજવામાં આવતું હતું

નાસાના રિપોર્ટમાં જણાવાયું છે કે ૧૬ નવેમ્બર સુધી વિઝિબલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ રેડિયોમીટર સૂટ સેન્સર દ્વારા પંજાબમાં ૭૪૦૦૦થી વધુ પરાળી બાળવાના હોટ સ્પોટ ધ્યાનમાં આવ્યા હતા.

આ સંખ્યા વર્ષ ૨૦૧૬માં સેન્સર દ્વારા શોધવામાં આવેલા ૮૫૦૦૦ હોટસ્પોટ જેટલી હતી. ૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ નાસાએ નોંધ કરી કે પંજાબ અને હરિયાણામાં પરાળી બાળવાના લીધે લાગેલી આગથી ઉત્તર પશ્ચિમી ભારતમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો હતો.

નાસાના ૧૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ સુઓમી એનપીપી ઉપગ્રહ પર વીવઆઇઆઇઆરએસે પંજાબ અને હરિયાણામાં આગથી ઉઠતા વિશાળ ધૂમાડાના ગુબ્બારા દિલ્હી તરફ જતા જોયા હતા. જે ભારતમાં સૌથી ગીચતા ધરાવતા સ્થળોમાંનું એક છે. અંતરિક્ષ એજન્સીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં લાગેલી આગના ધૂમાડાઓએ પણ યોગદાન આપ્યું છે.

નાસાના માર્શલ સ્પેસ ફલાઇગ સેન્ટરમાં કામ કરતા એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર ૧૧ નવેમ્બરના રોજ પરાળી બાળવાથી ધુમાડો થતા કમ સે કમ ૨.૨ કરોડ લોકો પ્રભાવિત થયા છે. નાસાનું માનવું છે કે ભારતના પાટનગર દિલ્હીમાં નવેમ્બરમાં અનેરાક વાર પીએમ ૨.૫ અને પીએમ ૧૦નું સ્તર ૪૦૦ માઇક્રોગ્રામ પ્રતિ કયૂબિક મીટરથી ઉપર નોંધાયું હતું. જે વિશ્વ આરોગ્ય સંસ્થાના ૧૫ માઇક્રોગ્રામ પ્રતિ કયૂબિક મીટરના સ્તરથી ખૂબ વધારે છે. હજુ પરાળી બાળવાનું કેટલાક સમય સુધી ચાલતું રહેશે આથી દિલ્હીની હવા પ્રદૂષિત રહે તેમ જણાય છે.

(12:14 am IST)