મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

ઇન્ડોનેશિયા માસ્ટર્સની સેમી ફાઇનલમાં પી.વી. સિંધુનો જાપાનની યામાગુચી સામે થયો પરાજય

ભારતનો કિદામ્બી શ્રીકાંત પણ સેમિ ફાઈનલમાં ડેનમાર્કના એન્ડ્રેસ એન્ટોનસન સામે ૧૪-૨૨, ૯-૨૧થી હારીને બહાર

બાલી :ઇન્ડોનેશિયા માસ્ટર્સની સેમી ફાઇનલમાં પી.વી. સિંધુનો જાપાનની યામાગુચી સામે સાવ સીધા સેટમાં ૧૩-૨૧, ૯-૨૧થી પરાજય થયો હતો. આ મેચ માત્ર ૩૨ મિનિટ જ ચાલી હતી. જ્યારે ભારતનો કિદામ્બી શ્રીકાંત પણ સેમિ ફાઈનલમાં ડેનમાર્કના એન્ડ્રેસ એન્ટોનસન સામે ૧૪-૨૨, ૯-૨૧થી હારીને બહાર ફેંકાયો હતો. આ સાથે ટુર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો.

સિંધુ મેચમાં ઉતરી તે અગાઉ યાગામુચી સામે સામે ૧૨-૭થી વિજયી સરસાઈ ધરાવતી હતી પણ તેના આવા પ્રભુત્વમાં રેકોર્ડનું દબાણ સર્જવામાં સિધુ નિષ્ફળ ગઈ હતી.

આ વર્ષે આ અગાઉના બંને મુકાબલામાં સિંધુએ વિજય મેળવ્યો હતો. બીજી ગેમમાં એક તબક્કે સિધુ પોઇન્ટની રીતે આગળ હતી પણ મેચમાં મોટેભાગે યામાગુચી દેખીતી રીતે ચઢિયાતી રમત બતાવતી હતી.

અગાઉ સેમિ ફાઇનલમાં પ્રવેશતા સિંધુએ ટર્કીની નીલેશાન યિગિટને ૨૧- ૧૩, ૨૧-૧૦થી પરાજય આપ્યો હતો. ડેન્માર્ક ઓપનમાં પણ ગયા મહિને ૨૬ વર્ષીય વિશ્વ ક્રમાંક સાત એવી સિંધુએ યિગિટને હાર આપી હતી. યામાગુચીએ ફાઇનલમાં કોરિયાની ચોથી ક્રમાંકિત સે યંગ સામે રમશે. યાંગે અન્ય સેમિ ફાઇનલમાં થાઇલેન્ડની ચાઇવાનને ૨૧- ૧૩, ૨૧-૯થી હરાવી હતી.

(11:44 pm IST)