મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે : નાણામંત્રી

બુલિયન એક્સચેન્જ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે.: નાણામંત્રી નિર્મલા સીતારમણએ ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

ગાંધીનગર :કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન ગુજરાતની મુલાકાતે છે. આજે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. નિર્મલા સીતારમણએ ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, માળખાકીય તમામ સુવિધા ગિફ્ટ સિટી ખાતે ઊભી થવાની તૈયારી હાલ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારામણનું મોટું નિવેદન સામે આવ્યું છે.

તેમણે જણાવ્યુ હતું કે, ગીફ્ટ સિટી ખાતે આગામી સમયમાં સ્ટોક અને બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે. આ બુલિયન એક્સચેન્જ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે. બેંગ્લોર, હૈદરાબાદ, ગુડગાંવ ખાતેના સ્ટાર્ટ અપ સાથે ચર્ચા કરી તેમને આઈએફએસસી ખાતે લાવવા સુચન કર્યું હતું. ગુજરાત સરકારે પણ ગિફ્ટ સિટીની ઈકો સિસ્ટમ સુધારવા માટે નવી પ્રવૃત્તિઓને જગ્યા આપવા તૈયારી દર્શાવી છે.

વધુમાં સીતારામણએ પોતાની વોશિંગ્ટન મુલાકાત અંગે પણ નિવેદન આપ્યું હતું. વોશિંગ્ટન તથા આસપાસના સિટીમાં ઊભી થયેલી ધંધાકીય પ્રવૃત્તિને ભારતમાં લાવવા મલ્ટીનેશનલ બિઝનેસ લીડર્સે પણ તૈયારી દર્શાવી છે. કેન્દ્રીય મંત્રીએ યુએસના બિઝનેસ લીડર્સનું લીસ્ટ ગીફ્ટ સિટી ઓથોરિટીને આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ પર નજર રાખશે. તે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર દેશ માટે સોનાની કિંમત નક્કી કરશે. ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સોનાના દરોમાં એકરૂપતા અને સમગ્ર દેશમાં સોનાના ભાવ અને ગુણવત્તામાં પારદર્શિતા લાવશે. તેનું નેતૃત્વ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) કરશે અને હિસ્સેદારો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX), નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) હશે.

ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ માટેની ગોલ્ડ પોલિસી ઈન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC) દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા સંયુક્ત રીતે ઘડવામાં આવી છે. ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જમાં 5 ગ્રામથી 1 કિલોગ્રામ સુધીના સોનાનો વેપાર થશે

(10:00 pm IST)