મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

બાળ ગોપાલની મૂર્તિ તૂટતાં ડોક્ટરે પાટો બાંધી આપ્યો

ભક્ત અને ભગવાનના અતૂટ નાતાને તાજો કરતો કિસ્સો : લેખ સિંહ ભગવાનને સ્નાન કરાવી રહ્યા હતા ત્યારે મૂર્તિ પડી જતાં તેઓ મૂર્તિ લઈને હોસ્પિટલ પહોંચી ગયા હતા

નવી દિલ્હી, તા.૨૦ : ભક્ત અને ભગવાન વચ્ચે ક્યારેક અતુટ નાતો બંધાઈ જતો હોય છે અને ભક્ત માટે ભગવાન જાણે હાજરા હજૂર બની જતા હોય છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં બાળ ગોપાલની તુટેલી  મૂર્તિને હાથમાં પકડીને એક પૂજારી રડી રહ્યા છે. પછી જે વાત વહેતી થઈ છે તે પ્રમાણે પૂજારીનુ નામ લેખ સિંહ છે અને તે આગ્રામાં એક મંદિરના છેલ્લા ૩૫ વર્ષથી પૂજારી છે.

રિપોર્ટસમાં દાવો કરાયો છે કે, તેઓ સવારે નવ વાગ્યે ખંડિત મૂર્તિ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલના સ્ટાફને રડતા રડતા કહેવા માંડ્યા હતા કે, આજે સવારે હું બાળ ગોપાલને સ્નાન કરાવી રહ્યો હતો ત્યારે મારા હાથમાંથી મૂર્તિ પડી ગઈ હતી અને બાળ ગોપાલનો હાથ તુટી ગયો હતો.જેનાથી હું પરેશાન છું અને તેમની સારવાર કરાવવા માટે હોસ્પિટલ આવ્યો છું.

દરમિયાન હોસ્પિટલના મુખ્ય ડોકટર ડો.અશોક અગ્રવાલે ન્યૂઝ એજન્સીને કહ્યુ હતુ કે, મને ખબર પડી હતી કે, પૂજારી ભગવાનની ખંડિત મૂર્તિ લઈને આવ્યા છે અને રડી પડ્યા છે તેમજ ભગવાનના તુટેલા હાથને પાટો બાંધીને જોડવાની જીદ કરી રહ્યા છે.તેમની ભાવનાઓને જોઈને મેં શ્રીકૃષ્ણના નામનુ કેસ પેપર કઢાવી આપ્યુ હતુ અને મૂર્તિના હાથ પર પાટો બાંધી આપ્યો હતો.

(7:09 pm IST)