મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

આધાર કાર્ડ અને વોટર IDને જોડવાની તૈયારી

સ્થાયી સમિતિ રિમોટ વોટિંગના મુદ્દા પર પણ ચર્ચા કરશે : રિમોટ વોટિંગના માધ્યમથી મતદાતાઓને તેમના નોંધાયેલા મતવિસ્તારમાં કોઇ પણ જગ્યાએથી વોટ આપવાનો અધિકાર આપવામાં આવશે

નવી દિલ્હી,તા. ૨૦:  આધાર કાર્ડ ને મતદાન ઓળખ પત્ર એટલે કે વોટર આઈડી સાથે જોડવાને લઈને ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ અંગે આવતા સપ્તાહે સંસદની એક સ્થાયી સમિતિની બેઠક થવાની છે. કહેવાય છે કે ભાજપના રાજયસભા મેમ્બર સુશીલ કુમાર મોદીની અધ્યક્ષતામાં કર્મચારી, જાહેર ફરિયાદ, કાયદા અને ન્યાય સંબંધી સ્થાયી સમિતિની બેઠક ૨૫ નવેમ્બરે મળવાની છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ચૂંટણી સુધારણા સાથે જોડાયેલા અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

અંગ્રેજી ન્યુઝપેપર ઇન્ડિયન એકસપ્રેસની રિપોર્ટ મુજબ આધાર અને વોટર આઈડીને જોડવા ઉપરાંત આ બેઠકમાં ચૂંટણી સંબંધિત જે મુદ્દાઓ પર ચર્ચા થશે એમાં રિમોટ વોટિંગ, ખોટા સોગંદનામા દાખલ કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પગલાં લેવા અને પંચાયતથી સંસદ સુધીની તમામ ચૂંટણીઓ હાથ ધરવા માટે સામાન્ય મતદાર યાદી સામેલ છે.

ચૂંટણી પંચે તાજેતરમાં જ કેન્દ્રીય કાયદા મંત્રાલયને મતદાર ત્ઝ્ર સાથે આધારને લિંક કરવા સહિત બાકી રહેલા ચૂંટણી સુધારાઓને મંજૂરી આપવા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટમાં સરકારે ચૂંટણી પંચને નવા મતદારોની નોંધણી માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો. આ ઉપરાંત, સરકારે આધાર લિંક કરવાના પ્રસ્તાવ અંગે UIDAIનો સંપર્ક કર્યો હતો.

સ્થાયી સમિતિ રિમોટ વોટિંગના મુદ્દા પર પણ ચર્ચા કરશે. જણાવી દઈએ કે રિમોટ વોટિંગના માધ્યમથી મતદાતાઓને તેમના નોંધાયેલા મતવિસ્તારમાં કોઇપણ જગ્યાએથી વોટ આપવાનો અધિકાર આપવામાં આવશે. કહેવાય છે કે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે સમિતિની મીટીંગ દરમ્યાન આ મુદ્દે એક પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે. આ મુદ્દો એવા સમયે આવ્યો છે જયારે ચૂંટણી પંચ દેશભરમાં પ્રવાસી કામદારોની વસ્તીનું મેપિંગ શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે જેથી રિમોટ વોટિંગની શરૂઆત માટે રોડમેપ તૈયાર થઈ શકે.

આ વર્ષની શરૂઆતમાં તત્કાલીન કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભાને જણાવ્યું કે સામાન્ય મતદાતા યાદીના ઉપયોગથી સમયની બચત થશે. દરેક ચૂંટણી માટે અલગ-અલગ વોટર લિસ્ટ જાહેર કરવામાં આવે છે. પરંતુ હવે દરેક ચૂંટણી માટે એક જ વોટર લિસ્ટ લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

(9:56 am IST)