મુખ્ય સમાચાર
News of Saturday, 20th November 2021

રાજસ્થાનના મંત્રીમંડળ પુનર્ગઠનની તૈયારી : ત્રણ મોટા મંત્રીઓએ આપ્યું રાજીનામુ : અજય માકન જયપુર પહોંચ્યા

ત્રણેય મંત્રીઓએ સોનિયા ગાંધીને પત્ર લખી મંત્રીપદ છોડી સંગઠન માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી

રાજસ્થાનના મંત્રીમંડળ પુનર્ગઠનની તૈયારી શરૂ થઇ ગઈ છે,કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અજય માકન જયપુર પહોંચી ગયા છે. અહીં તેમણે એક મોટું નિવેદન આપ્યું છે

અજય માકને જણાવ્યું કે રાજસ્થાનના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપ્યું છે.ત્રણેય મંત્રીઓએ સોનિયા ગાંધીને પત્ર લખી મંત્રીપદ છોડી સંગઠન માટે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાજીનામું આપનારમાં રઘુ શર્મા, ગોવિંદ સિંહ દોતસરા અને હરીશ ચૌધરીના નામ સામેલ છે. 22 નવેમ્બરે રાજસ્થાનના કેબિનેટનું વિસ્તાર થશે.

માનવામાં આવી રહ્યું છે કે 12-15 નવા ચહેરાઓને તક મળી શકે છે. યુપીમાં ટિકિટ વિતરણમાં મહિલાઓની ભાગીદારી માટે પ્રિયંકા ગાંધીની ફોર્મ્યુલા અનુસાર રાજસ્થાનમાં બે કે ત્રણ ધારાસભ્યોને મંત્રી બનાવી શકાય છે. મિશન 2023ની છાપ ગેહલોતની કેબિનેટની પુનઃરચના માટેની ફોર્મ્યુલામાં જોવા મળશે. પક્ષને વ્યાપક પ્રભાવવાળા અને ચૂંટણી જીતાડી શકે તેવા ધારાસભ્યોને તક મળશે. એક વ્યક્તિ એક પોસ્ટનો સિદ્ધાંત લાગુ પડશે. જાટ નેતા તરીકે રામલાલ જાટ અને મહાદેવ સિંહ ખંડેલાને તક મળી શકે છે. મહેન્દ્ર જીત સિંહ માલવિયાને પણ આદિવાસી વિસ્તારમાંથી મંત્રી બનાવવામાં આવી શકે છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે મંત્રીમંડળના પુનર્ગઠનમાં તમામ નેતાઓને સ્થાન આપવું શક્ય નથી, પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસની રાજકીય કટોકટી દરમિયાન અશોક ગેહલોતની સાથે મક્કમતાથી ઉભા રહેલા ધારાસભ્યોને ચોક્કસપણે મોટી તક મળવાની છે. ખાસ કરીને છત્તીસગઢની તર્જ પર રાજસ્થાનમાં 15 સંસદીય સચિવ બનાવવામાં આવી શકે છે.

(10:35 pm IST)