મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

નવી ઉપાધી : કોરોના વાયરસની પેટર્નમાં મોટા પ્રમાણમાં પરિવર્તન :બદલાતી પેટર્નને કારણે ગંભીર દર્દીઓમાં વધારો

અમદાવાદ સિવિલના પૂર્વ નિયામક પ્રભાકરએ લોકોને સાવચેત કર્યા : બજારમાં ટોળા ઉમટતા કેસ વધ્યા

અમદાવાદ : રાજયમાં તહેવારોના સમયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અમદાવાદની હાલત વધુ ખરાબ બની રહી છે ખાસ કરીને કોરોનાના ગંભીર દર્દીઓમાં વધારો થયો હોવાના કારણે ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત છે. ડોક્ટર્સના અનુસાર વાયરસની પેટર્નમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવી રહ્યું છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના પૂર્વ નિયામક એમ.એમ પ્રભાકરે જણાવ્યું કે, હાલના કોરોના વાયરસની પેટર્ન બદલાઇ રહી છે. જેના કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ તહેવારોના કારણે બજારોમાં લોકોનાં ટોળા ઉમટી પડવાના કારણે સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાતા પણ કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.

આ અંગે નિષ્ણાંતોનો મત છે કે, ઠંડીની સિઝન છે અને ઠંડીમાં શ્વાસ લેવાની સમસ્યા હોય તેમના માટે ખુબ જ વિકટ હોય છે. તેવામાં સંક્રમણ વધી રહ્યું છે. આ ઉપરાંત વાયરસની પેટર્નમાં પણ પરિવર્તન આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શરદી ઉધરસની સ્થિતીમાં જો કોરોના લાગુ પડે તો તેને રિકવર થવામાં ઘણો સમય લાગી શકે છે. તેથી લોકોએ સામાન્ય શરદી ઉધરસ ન થાય તેની તકેદારી તો રાખવી જરૂરી છે, સાથે સાથે કોરોનાનું સંક્રમણ લાગુ ન પડે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

અમદાવાદમાં 20મી નવેમ્બરની રાતથી 23મી નવેમ્બરના સવારના છ વાગ્યા સુધીના કરફ્યુ દરમિયાન બધી આવશ્યક સેવાઓ જેવી કે દૂધ, દવાની દુકાનો, મ્યુનિસિપાલિટી સર્વિસિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશનો, ગેસ સિલિન્ડરો, ફાર્મા કંપનીઓ, ઇલેક્ટ્રિકલ અને વોટર યુટિલિટિઝને જારી રાખવાનું કહ્યુ છે. તેથી તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ નિર્વિઘ્ને કામ જારી રાખશે અને તેમણે ફક્ત અધિકૃત દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે.

અગાઉની સૂચના મુજબ દૂધ અને દવાની દુકાન જ ચાલુ રાખવાની સૂચના હતી. હવે સરકારે જણાવ્યું છે કે આ કરફ્યુ દરમિયાન પેટ્રોલ પમ્પ, સીએનજી સ્ટેશન અને ગેસ સિલિન્ડરનું વિતરણ જારી રહેશે. અમદાવાદ શહેરમાં 185 પેટ્રોલ પમ્પ છે

(7:15 pm IST)