મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેરની WHOની ચેતવણી : મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આકરા પ્રતિબંધો લાદવા જરૂરી

ઠંડીનું આગમન થતાં સમગ્ર પશ્ચિમ એશિયામાં કોરોના વાઇરસના ચેપના મામલા ઝડપથી વધ્યા

નવી દિલ્હી : વિશ્વ વ્યાપાર સંગઠન (WHO)ના રિજનલ ડિરેક્ટર અહમદ અલ મંધારીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં કોરોનાની બીજી ઘાતક લહેર આવી શકે છે. ઠંડીનું આગમન થતાં સમગ્ર પશ્ચિમ એશિયામાં કોરોના વાઇરસના ચેપના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ચેપના લીધે મોટી સંખ્યામાં મોતને રોકવા માટે આ દેશોએ પ્રતિબંધોને વધારે આકરા કરીને બચાવના પગલાં ઉઠાવવા જરૂરી છે.

તેમણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે એશિયા પેસિફિકના દેશોએ પ્રારંભમાં આકરા લોકડાઉન લાગુ કર્યા હતા, પરંતુ હવે તે ઢીલાશ દાખવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ રોગચાળાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાથી લઈને માસ્ક લગાવવા સુધીની બાબતનું આ ક્ષેત્રમાં પૂર્ણપણે પાલન થઈ રહ્યું નથી. તેના પરિણામ આ ક્ષેત્રની હોસ્પિટલો દર્દીઓથી ભરાયેલી પડી છે.

 

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા નવ મહિનામાં ચેપના લીધે લગભગ 36 લાખથી વધારે લોકો બીમાર થયા છે. તેની સાથે 76 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત આટલા જ લોકોનું જીવન દાવ પર લાગેલું છે. કોરોનાના દર્દીઓની સંખ્યાને લઈને લાગતુ અનુમાનોને હકીકતમાં બદલાતા રોકવા માટે તકેદારીના પગલાં લેવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે અને મોતનો આંકડો અઢી લાખને વટાવી ગયો છે. ભારતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા આગામી મહિનાઓમાં એક કરોડ પર પહોંચી શકે છે. સરકારો શિયાળામાં કોરોનાના કેટલા દર્દીઓ આવશે તેના આંકડા પર ચોક્કસ નથી અને સંભાવના પર કામ કરી રહી છે, તેથી શિયાળામાં જો કોરોનાની બીજી લહેર આવે તો આ આંકડાઓમાં નોંધપાત્ર વધારો પણ થઈ શકે છે. આમ રસી પહોંચે નહીં ત્યાં સુધી લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન કરવુ જોઈએ. જો તેઓ તેમ નહીં કરે તો તે પોતે ગંભીર સ્થિતિમાં મૂકાઈ શકે છે અને બીજાને પણ તેમા મૂકી શકે છે

(1:32 pm IST)