મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ટેરર ફંડિંગના મામલે હાફિઝ સઈદને ૧૦ વર્ષની સજા થઇ

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ પર ભિંસ વધી : સઈદના નજીકના અને જમાત-ઉદ-દાવાના પ્રવક્તા યાહ્યા મુઝાહિદને પાકની અદાલતે ૩૨ વર્ષની સજા સંભાળાવી

લાહોર, તા. ૧૯ : મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી અને લાહોર જેલમાં બંધ આતંકવાદી હાફિઝ સઈદને ટેરર ફંડિંગના મામલે ૧૦ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનની એન્ટી ટેરરિઝ્મ કૉર્ટે જમાત-ઉદ-દાવાના પ્રમુખ સઈદની સજાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા સઈદના નજીકના અને જમાત-ઉદ-દાવાના પ્રવક્તા યાહ્યા મુઝાહિદને અદાલતે ટેરર ફંડિંગના મામલે જ ૩૨ વર્ષની સજા સંભાળાવી છે. મુઝાહિદની સાથે આતંકવાદી સગંઠનના વધુ ૨ નેતાઓને ગુનેગાર માનવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરીમાં લાહોરમાં એન્ટી ટેરરિઝ્મ કૉર્ટે આતંકવાદી ગતિવિધિઓમાં આર્થિક મદદ પહોંચાડવાને લઇને ૧૧ વર્ષની સજા સંભળાવી હતી. મુંબઈમાં ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલામાં હાફિઝ સઈદ ભારતમાં વૉન્ટેડ છે. આ હુમલામાં ૧૦ આતંકવાદીઓએ ૧૬૬ મામસૂમોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તો કેટલાક લોકો ઘાયલ થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પહેલા જ હાફિઝ સઈદને 'વૈશ્વિક આતંકવાદીલ્લ જાહેર કર્યો છે.

અધિકારીએ જણાવ્યું કે એટીસી કૉર્ટ ક્રમાંક ૧ના ન્યાયાધીશ અરશદ હુસૈન ભટ્ટે કેસ નવેમ્બર ૧૬/૧૯ અને ૨૭/૧૯ની સુનાવણી કરી. આ કેસ કાઉન્ટર ટેરરિઝ્મ ડિપાર્ટમેન્ટ તરફથી દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કૉર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારના લાહોરની એન્ટી ટેરરિઝ્મ કૉર્ટે જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ સહિત આતંકવાદી સંગઠનના કેટલાક નેતાઓને સજા સંભળાવી છે.

સંગઠનના નેતાઓની વિરુદ્ધ કુલ ૪૧ કેસ નોંધાયેલા છે, જેમાંથી ૨૪ કેસ પર ચુકાદો આવીચુક્યો છે, જ્યારે બાકીના કેસો પર સુનાવણી થવાની છે. સઈદની વિરુદ્ધ ૪ કેસમાં ચુકાદો આવી ગયો છે.

(12:00 am IST)