મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે એનસીપીના વડા શરદ પવાર પવારની બેઠક થઈ : ખેડુતોની સ્થિતિ પર ચર્ચા

મોદી સાથે બેઠક લઈને રાજકીય વર્તુળોમાં તર્કવિતકોનો દોર શરૂ : મહારાષ્ટ્ર વધતી જતી કૃષિ કટોકટી અને પાક નુકસાનના સંદર્ભે દરમિયાનગીરી કરવા પવારની માંગણી : સંસદમાં પીએમ ચેમ્બરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

નવી દિલ્હી, તા.૨૦ :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપીના વડા શરદ પવાર વચ્ચે આજે યોજાયેલી બેઠકને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી વધી ગઈ છે. પ્રદેશમાં સરકાર રચવાને લઈને જારી ઉતારચઢાવની સ્થિતિ વચ્ચે બને નેતાઓની વાતચીત ઉપયોેગી રહી હતી. જેથી આ વાતચીતમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઈ હતી. એનસીપીના વડા શરદ પવારે રાજ્યમાં વધતી જતી કૃષિ કટોકટી અને પાક નુકસાનના સંદર્ભમાં તાકીદે દરમિયાનગીરીની માંગ કરી હતી. સંસદમાં વડાપ્રધાનની ચેમ્બરમાં આ બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને દુવિધા વચ્ચે આ બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણીના પરિણામ જાહેર થયાને ઘણા દિવસો થઈ ગયા હોવા છતાં સરકારની રચના થઈ શકી નથી.ત્રણ પાનાના મેમોરેન્ડમમાં પવારે કહ્યું છે કે, નાસિક જિલ્લામાં સોયાબીન, ડાંગર, બાજરા, શાકભાજી જેવી પેદાશોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે પાકને અભૂતપૂર્વ નુકસાન થયું છે. ખેડુતોને મદદની જરૂર દેખાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, નાસિકમાં ૪૪ ખેડુતો છેલ્લા દસ મહિનાનાગાળામાં જ કટોકટી વચ્ચે  આપઘાત કરી ચુક્યા છે. નાગપુરમાં ૩૫૦૦૦ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. પવારે કહ્યું છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના કારણે હાલમાં તાકિતની દરમિયાનગીરીની જરૂર દેખાઈ રહી છે. ખુબ જ મુશ્કેલમાં મુકાયેલા ખેડુતોના હિતોમાં પગલા લેવાશે તો અમને ખુશી થશે. આ બેઠક સંસદમાં એનસીપીના લોકોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રશંસા કરવામાં આવ્યા ના બે દિવસ બાદ યોજાઈ છે. એનસીપી અને કોંગ્રેસના નેતાઓની પણ બેઠક ચાલી રહી છે. આજની બેઠક પહેલા જુદા જુદા મુદ્દાઓ ઉપર અટકળોનો દોર ચાલ્યો હતો. આ બંને નેતાઓની બેઠક બાદ રાજકીય વર્તુળોમાં નવા સમીકરણને લઈને પણ ચર્ચા છેડાઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવશે કે કેમ તેને લઈને પણ ચર્ચા છેડાઈ હતી. આના બદલામાં કેન્દ્રમાં શરદ પવારની પાર્ટીને ત્રણ મહત્વના મંત્રાલય મળી શકે છે. આનાથી આગળ ચર્ચા એ પણ હતી કે શરદ પવારને ૨૦૨૨ માટે રાષ્ટ્ર્પતિ પદની ઓફર કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને વાતચીત ચાલી રહી છે ત્યારે શરદ પવારે એમ કહીને  ચર્ચા જગાવી દીધી છે કે, સોનિયા ગાંધી સાથે સરકાર રચવાને લઈને તેમની કોઈ વાતચીત થઈ નથી. મોદીએ હાલમાં એનસીપીની પ્રસંશા કરી હતી. થોડાક દિવસ પહેલા જ પવારે ખેડુતોના મુદ્દે વડાપ્રધાનને પત્ર લખીને રજુઆત કરી હતી. આજે મહત્વપૂર્ણ બેઠકમાં ખેડુત મુદ્દો છવાયેલો રહ્યો હતો.

(9:47 pm IST)