મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

આધાર સેવા કેન્દ્ર સાતેય દિન ખુલ્લા હશે : રિપોર્ટ

સામાન્ય લોકોના હિતમાં કામગીરી

નવી દિલ્હી, તા.૨૦ : આધાર સેવા કેન્દ્ર હવે સપ્તાહના સાતેય દિવસ ખુલ્લા રહેશે. લોકોની સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં લઇને યુનિક આઈડિેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ કેન્દ્રોને સાતેય દિવસ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આધાર સેવા કેન્દ્ર મંગળવારના દિવસે બંધ રાખવામાં આવી રહ્યા હતા. યુઆઈડીએઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના દ્વારા સંચાલિત આધાર સેવા કેન્દ્રો હવે સાતેય દિવસ ખુલ્લા રહેશે. આ કેન્દ્રોની ક્ષમતા દરરોજ એક હજાર આધાર નોંધણી અથવા તો સુધારા કરવાની રહેલી છે.

   પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ હવે આધાર સેવા કેન્દ્ર પર જવા માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પણ લઇ શકાય છે. આધાર કેન્દ્રોમાં નવા આધાર કાર્ડ માટે અથવા નોંધણી કરવા ઉપરાંત ડેટાબેઝમાં નામ, એડ્રસ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, જન્મતારીખ, બાયોમેટ્રીક ડેટામાં ફેરફાર કરી શકાય છે. વેબસાઈટ મુજબ વર્તમાન સમયમાં ઓછામાંઓછા ૧૯ કાર્યરત આધાર સેવા કેન્દ્ર છે. આધાર જારી કરનાર સંસ્થાએ વર્ષ ૨૦૧૯ના અંત સુધી ૫૩ શહેરોમાં ૧૧૪ આવા કેન્દ્રો બનાવવાની યોજના તૈયાર કરી છે.

(7:52 pm IST)