મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

હાઉસિંગ કંપની DHFL ૮૩,૮૭૩ કરોડના દેવામાં: દેવાળુ ફૂંકવાની તૈયારીમાં

કંપનીમાં બેન્ક, મ્યુચુઅલ ફંડ, નેશનલ બેન્ક, યૂપી પાવર કોર્પોરેશન અને જમા કરાવનાર અન્ય લોકોના પૈસા ફસાયા

નવી દિલ્હી, તા.૨૦: દેશની સૌથી મોટી હાઉસિંગ કંપની દીવાન હાઉસિંગ ફાયનાન્સ કંપની દેવાળુ ફૂંકવાની તૈયારીમાં છે. કંપની નાદારી નોંધાવવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ટૂંક જ સમયમાં અરજી કરી શકે તેવી શકયતા છે. જો કંપની આ પગલુ નહીં ભરે તો બેન્ક આ કાર્યવાહી કરી શકે છે. સરકારી નોટિસ પછી આ કંપની પણ આ પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે. 

કંપની મામલાઓના મંત્રાલયે ૧૮ નવેમ્બરે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના સેકશન ૨૨૭માં ફેરફાર કરતા જણાવ્યું હતું કે હવે ૫૦૦ કરોડ રુપિયાથી વધારે કેપિટલ ધરાવતી એનબીએફસી કંપનીઓ પણ નાદારીની પ્રક્રિયા માટે અરજી કરી શકશે.

એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીઓને નાદારીની પ્રક્રિયામાં સામેલ કરવા માટે બેન્કોએ ભારતીય રિઝર્વ બેન્કની મંજૂરીની જરુર નહીં પડે. બેન્ક હવે DHFLના ફાઇલ પ્રત્યક્ષ રીતે NCLTમાં મોકલી શકશે. જે પછી RBI કંપની સંચાલન માટે એક અધિકારીની નિમણૂક કરશે. કંપની પર કુલ ૮૫ હજાર કરોડનું દેવુ છે, જેમાં માત્ર બેન્કોનું દેવુ જ ૩૮ હજાર કરોડ રુપિયા છે. કંપનીમાં બેન્ક, મ્યુચુઅલ ફંડ, નેશનલ હાઉસિંગ બેન્ક, યૂપી પાવર કોર્પોરેશન અને અન્ય જમા કરાવનાર લોકોના પૈસા ફસાયેલા છે.

વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધી UPPCLએ ૪,૧૦૦ કરોડ રુપિયાથી વધારે રકમનું રિટાયરમેન્ટ ફંડ આ કંપનીમાં રોકી ચૂકી છે જેમાંથી UPPCLના માત્ર ૧,૮૫૫ કરોડ રુપિયા જ પાછા મળ્યા હતા. 

૨૦૧૭-૧૮ના ઓડિટ રિપોર્ટ મુજબ DHFLના કુલ સંપત્ત્િ। ૮,૭૯૫ કરોડ રુપિયા છે જયારે તેનું દેવુ એનાથી અનેક ગણુ વધારે છે. કંપનીઓ દેશી-વિદેશી બેન્કો પાસેથી ૯૬,૮૮૦ કરોડ રુપિયા દેવા પેટે લીધેલા છે. વાર્ષિક અહેવાલ મુજબ કંપનીઓ ઓછામાં ઓછી ૩૬ બેન્કો પાસેથી નાણા ઉધાર લીધા છે, જેમાં ૩૨ રાષ્ટ્રીય બેન્કો અને ખાનગી બેન્કો, તેમજ ૬ વિદેશી બેન્કો સામેલ છે. ૩૨ નેશનલ બેન્કોમાં ભારતીય સ્ટેટ બેન્કે DHFLના સૌથી વધારે ૧૨,૦૦૦ કરોડ રુપિયા દેવા પેટે આપ્યા હતા. જે પછી બેન્ક ઓફ બરોડા ૪,૩૮૬ કરોડ રુપિયા, બેન્ક ઓફ ઇન્ડિયા ૪,૧૫૦ કરોડ રુપિયા અને કેનેરા બેન્ક ૩,૧૦૦ કરોડ રુપિયા આપી ચૂકી છે.

કંપનીના રિઝોલ્યુશન પ્લાન મુજબ કંપની પર નોન કન્વર્ટેબલ ડિબેન્ચરના ૪૧.૪૩૧ કરોડ રુપિયા ચૂકવવાના બાકી પેટે નીકળે છે જયારે બેન્કોનું ૨૭,૫૨૭ કરોડ રુપિયા, ૬,૧૮૮ કરોડ રુપિયાની FD, ૨,૭૪૭ કરોડ રુપિયાની એકસટર્નલ કોમર્શિયલ બોરોવિંગ, નેશનલ હાઉસિંગ બેન્કના ૨,૩૫૦ કરોડ રુપિયા, પેટા દેવા રુપે ૨,૨૬૭ કરોડ રુપિયા અને પર્પેચુઅલના ૧,૨૬૩ કરોડ રુપિયા તથા કોમર્શિયલ પેપરના ૧૦૦ કરોડ રુપિયાનું દેવુ છે. કંપની પર કુલ ૮૩,૮૭૩ કરોડ રુપિયાનું દેવુ છે.

(10:03 am IST)