મુખ્ય સમાચાર
News of Wednesday, 20th October 2021

દેશના 12 જેટલા મહાબંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ : 100 લાખ કરોડ ખર્ચાશે

કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોરોવાલે દીનદયાળ પોર્ટ કંડલા-કચ્છ ખાતે રૂ.277 કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહુર્ત કરતા મોટી જાહેરાત કરી

ભુજ :કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોરોવાલે દીનદયાળ પોર્ટ કંડલા-કચ્છ ખાતે રૂ.277 કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહુર્ત કર્યું હતું. કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રીશ્રી સર્વાનંદ સોરોવાલે જણાવ્યું હતું કે, દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના 12 મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે. તે માટે પ્રધાનમંત્રી મોદીએ રૂ.100 લાખ કરોડ ખર્ચ કરવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે. તેમણે દીનદયાળ પોર્ટ કંડલાને દેશનું નંબર વન મહાબંદર ગણાવ્યું હતું.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોથી મળેલાં લાભો અંગે વિગતે માહિતી આપી હતી. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ઔદ્યોગિક વિકાસ તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે વિકાસ બાબતો રજૂ કરી હતી.

દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ આ તકે જણાવ્યું હતું કે, ઓઇલ પાઈપ લાઈનની પરિવહન ક્ષમતા વધારવા માટે રૂ.126.50 કરોડ, નવી 8મી ઓઇલ જેટી બનાવવા માટે રૂ.99.09 કરોડ, માલ સંગ્રહ ગોડાઉન માટે રૂ.36 કરોડ અને વાહનોની અવરજવર તેમજ પાર્કિંગ પ્લાઝાના ડીજીટીલાઈઝેશન માટે રૂ.15 કરોડ ખર્ચ કરાશે.

આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, દીનદયાળ પોર્ટના વાઈસ ચેરમેન નંદિશ શુક્લા, કસ્ટમ અધિકારીની પી. તિવારી, પી.આર.ઓ. ઓમપ્રકાશ દાદલાણી, પોર્ટના અધિકારીઓ, બંદરીય વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યવસાયકારો અને કમૅયોગીઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 am IST)