મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

IPL -2020 : દિલ્હી કેપિટલ્સનો 5 વિકેટે પરાજય : પંજાબની સતત ત્રીજી જીત : પોઇન્ટ ટેબલ પર પાંચમાક્રમે પહોંચ્યું

નિકોલસ પૂરને 28 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 53 રન ફટકાર્યા : મેક્સવેલે 24 બોલમાં 3 ફોરની મદદથી 32 રન બનાવ્યા

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13ની 38મી મેચ દુબઈમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. જેમાં પંજાબે દિલ્હીને 5 વિકેટે હરાવ્યું છે. પંજાબે આ મેચની સાથે જીતની હૈટ્રીક મારી છે. આ જીત સાથે પંજાબ પોઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમાંકે આવી ગઇ છે. જ્યારે દિલ્હી પ્રથમ ક્રમાંકે છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને બેટિંગ લીધી છે. દિલ્હીએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. રિષભ પંત, શિમરન હેટમાયર અને ડેનિયલ સેમ્સને પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે એલેક્સ કેરી, એનરિક નોર્ટજે અને અજિંક્ય રહાણેને બહારને બહાર કરવામાં આવ્યો. પૃથ્વી શો 11 બોલમાં 1 ફોરની મદદથી 7 રન કરી આઉટ થયો હતો. તે પછી શ્રેયસ ઐયર 14 રને આઉટ થયો હતો. રિષભ પંત 20 બોલમાં 1 ફોરની મદદથી 14 રન કરી આઉટ થયો હતો. શિખર ધવને તેના IPL કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 61 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 106 રન કર્યા. તે IPLમાં સતત બે સદી ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો છે. દિલ્હી કેપિટલ્સે દુબઈ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 20 ઓવરમાં 5 વિકેટે 164 રન કર્યા છે.

કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે મેક્સવેલ, નિશમ અને મુરુગન અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 165 રનનો લક્ષ્ય આપ્યો હતો. પંજાબના ટોપના 3 બેટ્સમેન આ મેચમાં ફેલ રહ્યા હતા. લોકેશ રાહુલ11 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 15 રન કરી આઉટ થયો હતો. તે પછી ક્રિસ ગેલ 13 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 29 રન કરી આઉટ થયો હતો. જ્યારે મયંક અગ્રવાલ 5 રને રનઆઉટ થયો હતો. ટીમને નિકોલસ પૂરને સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેણે અગત્યનું યોગદાન આપ્યું. તેણે પોતાના 28 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 53 રન કર્યા હતા. મેક્સવેલે 24 બોલમાં 3 ફોરની મદદથી 32 રન કરી આઉટ થયો હતો. અંતમાં જિમી નિશમ અને દિપક હુડ્ડાએ સાથે મળી ટીમને જીત અપાવી હતી.

દિલ્હી કેપિટલ્સ તરફથી સૌથી વધુ વિકેટ કગિસો રબાડાએ લીધી હતી. જ્યારે અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

(11:59 pm IST)